ખેડબ્રહ્મા તાલુકાના નાકા ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડો ફરતો હોવાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે જંગલ ખાતાની ટીમે ભારે જહેમત બાદ દીપડાને પાંજરે પુરી ઇજાગ્રસ્ત હોવાથી તેની સારવાર કરી હતી.
રેસ્કયુ દરમિયાન દીપડાએ વન રક્ષક પર હુમલો કર્યો
આ અંગેની પ્રાપ્ત થતી માહિતી મુજબ ખેડબ્રહ્મા તાલુકામાં નાકા ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડો ફરતો હોવાની જાણ થતાજ સ્થાનિક લોકોમાં ભય જોવા મળ્યો હતો. તો બીજી તરફ વન વિભાગની ટીમ દિવસ રાત દીપડાને રેસ્કયુ કરવા માટે ભારે જહેમત ઉઠાવી રહી હતી. તે દરમિયાન વન સંરક્ષક દિનેશભાઇ ચૌધરીએ જીવના જોખમે દીપડાને રેસ્કયુ કર્યો હતો, જે દરમિયાન દીપડાએ પણ વન રક્ષક પર હુમલો કરતા તેઓને પણ ઇજાઓ થઇ હતી. બીજી તરફ દીપડાને પણ ઇજાઓ થતા સ્થાનિક પશુ ચિકિત્સકની મદદ લઇને ઇજાગ્રસ્ત દીપડાને સારવાર આપવામાં આવી હતી અને પાંજરે પુરવામાં આવ્યો હતો.
લોકોએ વન વિભાગની કામગીરીને બિરદાવી
જંગલ વિસ્તારમાં દીપડા સહિત અનેક પ્રાણીઓ ફરતા હોવાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે વન વિભાગ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને લોકોએ પણ બિરદાવી હતી. જોકે સ્થાનિક ડી.એફ.ઓ. અજયસિંહ ડાભીનો સંપર્ક કરવા છતા પણ આ બાબતે તેઓએ કોઇ માહિતી આપી ન હતી. તેમજ ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ જ સંપૂર્ણ માહિતી આપીશુ તેવુ જણાવ્યું હતું. તો વધુમાં જણાવ્યું હતું કે, પકડાયેલ દીપડાને તબીબ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને તેમના અભિપ્રાય બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.