હુકમ:22 વર્ષે હિંમતનગરમાં ગેરકાયદે મુલકીભવન સીલ, 22 વર્ષ બાદ હવે વહીવટી તંત્ર જાગ્યું

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરનું મુલકી ભવન સરકાર હેડે દાખલ કરવા હુકમ
  • મહેસૂલી કર્મચારીઓને મહેસૂલી ભવનના હેતુ માટે હજાર ચોરસ મીટર જમીન અપાઈ હતી મંડળના તત્કાલિનન પ્રમુખે બારોબાર કરી હતી
  • શરતભંગ થતા મુલ્કી ભવનને સીલ મારી કબજો લેવાની પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરાઈ

હિંમતનગર શહેરના બસ સ્ટેન્ડની બિલકુલ સામે મોખાની બહુમૂલ્ય જગ્યા ઉપર વહીવટી તંત્રના મહેસૂલી કર્મચારી મંડળ માટે ફાળવેલ સરકારી જમીન ઉપર જ તત્કાલિન મંડળ પ્રમુખ મંત્રી અને અન્ય કર્મચારીઓએ ગેરકાયદેસર રીતે કોમર્શિયલ બાંધકામ કરાવી મસમોટી રકમ વસૂલી કાયદાથી બચવા શાશ્વત સમય સુધીના ભાડા કરાર કરી ખુલેઆમ તંત્રની આંખોમાં ધૂળ નાખ્યા બાદ હવે 22 વર્ષ બાદ વહીવટી તંત્ર જાગ્યું છે. અને એમાં પણ મુલ્કી ભવન નામના કોમ્પ્લેક્સની માત્ર બંધ મિલકતોની સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હુકમનો અધકચરો અમલ કરાતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે.

હિંમતનગર બસ સ્ટેશન સામે સિટી સર્વે નંબર 437 પૈકીની 1000 ચો.મી. જમીન 11 શરતોને આધીન મહેસૂલી ભવન બનાવવા માટે સાબરકાંઠા જિલ્લાના મહેસૂલી કર્મચારી (વર્ગ-3) મંડળને વર્ષ 2000માં મહેસુલ વિભાગ દ્વારા ફાળવવામાં આવી હતી. જોકે મહેસૂલ વિભાગના જ ભેજાબાજ કર્મચારીએ મહેસૂલી ભવનના બાંધકામના હેતુથી વિરુદ્ધ કોમર્શિયલ સંકુલ ઊભું કરવા શરૂ કરતાં ડાહ્યાલાલ હરજીવનદાસ સુથારે રજૂઆત કરતા નાયબ કલેક્ટરે તારીખ 6/01/01ના હુકમથી મનાઇ હુકમ આપ્યો હતો.

જેમાં રિવિઝન અરજી કરતા હુકમ રદ કરાયેલ આ દરમિયાન રમેશચંદ્ર ચોક્સી નામના અરજદારે હાઇકોર્ટમાં જમીન ફાળવણીનો હુકમ રદ કરવા, નગરપાલિકાની બાંધકામની મંજૂરીનો હુકમ રદ કરવા, સ્વતંત્ર તપાસ સોંપવા, બાંધકામ થતું અટકાવવા પિટિશન દાખલ કરતા કોર્ટે તા.7/08/01ના રોજ સ્ટેટ્સકો-યથાસ્થિતિ જાળવી રાખવા હુકમ કર્યો હતો. જેમાં તપાસ હાથ ધરાયા બાદ સરકારના મહેસુલ વિભાગના તારીખ 14/03/02 ના ઠરાવ મુજબ સરકારની મંજૂરી વગર હેતુફેર ઉપયોગ થઈ રહ્યો હોવાનું પ્રસ્થાપિત થતાં આ જમીન સરકાર હેડે દાખલ કરાઈ હતી.

ત્યારબાદ કર્મચારી મંડળના પ્રમુખે જમીન મેળવવા દરખાસ્ત કરી હતી અને મહેસૂલ વિભાગે તારીખ 7/05/04 ના રોજ એસોસિએશન પાસેથી મકાનનો ઉપયોગ માત્ર મહેસૂલી ભવનના હેતુ માટે જ કરવાનો રહેશે તેવી લેખિત બાંહેધરી લેવાની શરતે તારીખ 14/03/02નો ઠરાવ રદ કર્યો હતો. ત્યારબાદ પ્રમુખે બાહેધરી રજૂ કરતા તારીખ 19/05/04 ના રોજ જમીન પરત આપવામાં આવી હતી

જમીન પરત અપાયા બાદ સમગ્ર કૌભાંડનો ખેલ શરૂ થયો હતો હેતુફેર ન કરવા આપેલ બાહેદરીના સવા વર્ષમાં જ મંડળના પ્રમુખે વાણિજ્ય ઉપયોગ કરવા મંજૂરી માંગી હતી અને સ્થાનિક સ્તરે નામંજૂર થયા બાદ વર્ષ 2009 માં સરકારમાં દરખાસ્ત કરાઈ હતી અને આની સમાંતર પાલિકામાં ઇમ્પેક્ટ ફી ભરવા અરજી કરાઈ હતી. પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને સાથે રાખી આ કોમ્પ્લેક્સમાં દુકાનો બાંધી દીધા બાદ શાશ્વત સમય સુધી નજીવા રૂ200ના ભાડાપટ્ટાથી આપી દેવાઈ હતી.

આ બાબતે કોર્ટ મેટરો પણ થઈ હતી. અને સતત લડત આપવાને પગલે તારીખ 6/01/23ના રોજ કલેકટરે હેતુ સિવાયના હેતુ માટે જમીનનો ઉપયોગ થઈ રહ્યો હોવાથી સિટી સર્વે નંબર 437 પૈકીની 1000 ચોરસ મીટર જમીન સરકાર હેડે દાખલ કરવાનો હુકમ કર્યો હતો. જેને પગલે સોમવારે તારીખ 9/01/23ના રોજ વહીવટી તંત્ર દ્વારા 100થી વધુ પોલીસનો કાફલો મોકલી કોમ્પ્લેક્સની બંધ દુકાનો સીલ કરી દેવામાં આવી હતી. અને ચાલુ વ્યવસાયીઓ પાસેથી દુકાન ખાલી કરવાની બાંહેધરી લેવાઈ હતી.

મહેસૂલી કર્મચારી મંડળના તત્કાલિન પ્રમુખ મંત્રી વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવા આદેશ
મુલ્કી ભવનની જમીન તથા મિલકત સરકાર હેડે લેવાનો હુકમ કરવા દરમિયાન નોંધ કરાઇ છે કે મંડળના પ્રમુખ દેવેશકુમાર રમણલાલ પટેલ અને મંત્રી ગણપતલાલ અળખાભાઈ પાટીલ દ્વારા લોઅર લેવલના ભાગે ભોયરૂ તથા દુકાનો ભાડે આપેલ છે ભાડા કરારની નકલ જોતા શાશ્વત સમય માટે ભાડેથી આપેલ છે અને એક દુકાનનું માસિક ભાડું રૂ. 200 નક્કી કરાયું છે તથા 22 દુકાનો તેમજ એક હોલ દેવેશ પટેલના પુત્રના નામે કરાયો છે જેથી મંડળને ફાળવેલ જમીન ઉપર દુકાનો બનાવાઈ હોવાથી એઝ ગુડ એસ સેલ ઘણી શરત ભંગ થતો હોય કાર્યવાહી જરૂરી બની જાય છે અને સરકારની સૂચના મુજબ તત્કાલીન પ્રમુખ દેવેશકુમાર પટેલ અને મંત્રી ગણપતલાલ પાટીલ તથા જવાબદાર કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

તત્કાલિન ચીફ ઓફિસરે ઇમ્પેક્ટ ફી લઈ બાંધકામ રેગ્યુલરાઈઝ કરી આપ્યું
જોગવાઈ ને નજર અંદાજ કરી ઇમ્પેક્ટ ફી વસૂલવાની શરૂ કરી દીધી હતી અને બાંધકામ નિયમોને એરણે ચઢાવ્યા હતા અને તત્કાલીન ચીફ ઓફિસર તથા પ્રમુખે ગેરકાયદેસર બાંધકામને રેગ્યુલરાઈઝ કરી આપ્યું તપાસમાં નોંધ કરી હતી

જગ્યા શ્રી સરકાર થયા બાદ મંડળના પ્રમુખે હેતુફેર ન કરવાની બાહેધરી આપી હતી
મહેસુલી મકાન બનાવવા માટે તંત્ર દ્વારા જમીન ફાળવાયા બાદ તેનો કોમર્શિયલ ઉપયોગ કરતા શરદભંગ થવાને પગલે કાર્યવાહીને અંતે આ જગ્યા સરકાર હેડે પરત લેવાયા બાદ મંડળના પ્રમુખે હેતુફેર ન કરવાની બાહેદરી આપી હતી અને થોડો સમય પસાર કરી હેતુ ન કરવાની બાહેદરી આપનાર મંડળના પ્રમુખે વાણિજ્ય ઉપયોગ કરવા સરકારમાં દરખાસ્ત કરી હતી જેનાથી પ્રસ્થાપિત થાય છે કે મફત જમીન મેળવી વ્યાપાર કરવાના ઉપદેશથી જ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું

તંત્ર દ્વારા કેવિયટ દાખલ કરાઈ
તંત્રની આંખોમાં ધૂળ નાંખનાર આ વખતે પણ કાયદાની જોગવાઈઓનું આશરો લઈ ફાવી ન જાય તે માટે તંત્ર દ્વારા આગોતરું આયોજન કરાયું છે અને કૌભાંડિઓ મનાઈ હુકમ વગેરે લાવી ન શકે તે અર્થે સ્થાનિક અને હાઇકોર્ટમાં કેવિયેટ પણ દાખલ કરી દેવાય છે.

અન્ય સમાચારો પણ છે...