સાબરકાંઠા જિલ્લા એસઓજી શાખા દ્વારા હિંમતનગરમાંથી પેરોલ પર બહાર આવેલા ચાર મહિનાથી ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપીને હિંમતનગરના ન્યાય મંદિર બસ સ્ટેન્ડ આગળથી ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે અપહરણના આરોપમાં એક વર્ષથી ફરાર આરોપીને પણ લેભોર ચાર રસ્તેથી ઝડપી લઈ તલોદ પોલીસને સોંપવામાં આવ્યો.
આ અંગે એસઓજીના પીઆઈ એન.એન.રબારીએ જણાવ્યું હતું કે એસઓજીના પીએસઆઈ કે.બી.ખાંટ અને સ્ટાફના કિરીટસિંહ, ભાવેશકુમાર, અપેન્દ્રસિંહ અને સુરતાનસિંહ હિંમતનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલ બાતમીના આધારે હિંમતનગરમાં જિલ્લા જેલમાંથી છેલ્લા ચાર મહિનાથી પેરોલ પરથી ફરાર પાકા કામના કેદી ભોગીલાલ હીરાભાઈ પટેલને હિંમતનગરના ન્યાય મંદિર બસ સ્ટેન્ડ આગળથી ઝડપી પાડવામાં હતો. તેને ઝડપી હિંમતનગરમાં સબજેલમાં સોપવામાં આવ્યો હતો.
એસઓજી સ્ટાફના શૈલાબેન, કિરીટસિંહ, ભાવેશકુમાર, અપેન્દ્રસિંહ અને દશરથભાઈ તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન મળેલ બાતમી આધારે તલોદ પોલીસ સ્ટેશનમાં અપહરણના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી નાણા ગામના હરેશસિંહ ઉર્ફે દશરથસિંહ ઝાલાને ભોગ બનનાર સાથે લેભોર ચાર રસ્તેથી ઝડપી લઈને તલોદ પોલીસને સોપવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.