ગમખ્વાર અકસ્માત:સાબરકાંઠાના તલોદ પાસે STની મિનિ બસ અને કાર વચ્ચે અકસ્માત, પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત

હિંમતનગર13 દિવસ પહેલા
મિનિ બસ અને અર્ટિકા કારનો ગમખ્વાર અકસ્માત
  • અકસ્માતમાં 4થી વધુ લોકોને ઈજા પહોંચતા તલોદ હોસ્પિટલ ખસેડાયા
  • મોડાસા-દહેગામ રૂટની મિનિ બસ અને અર્ટિકા કાર ધડાકાભેર અથડાયા

રાજ્યમાં છેલ્લા બે દિવસથી અકસ્માતમાં મોતના બનાવ વધ્યાં છે. સોમવારે મોડાસા-અમદાવાદ હાઈ-વે પર મોડાસા-દહેગામ રૂટની ગુજરાત એસટીની મિનિ બસ અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પિતા-પુત્ર અને ભત્રીજો એમ એક જ પરિવારના 3 સભ્યોના ઘટનાસ્થળે મોત થયા હતા. અકસ્માતમાં 4થી વધુ લોકોને ઈજા પહોંચતા સારવારાર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

એક જ પરિવારના 3 સભ્યોના મોત
મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લામાં મોડાસા-અમદાવાદ હાઇવે પર તલોદ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તલોદના દેગમાળ તળાવ પાસે ગુજરાત એસટીની GJ 18 Z 2939 નંબરની મિનિ બસ અને GJ 02 CA 1812 નંબરની અર્ટિકા કાર સામસામે ધડાકાભેર અથડાયા હતા. જેમાં એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા. મૃતકમાં ઝાલા વકતુસિંહ લક્ષણસિંહ, ઝાલા આદરસિંહ લક્ષ્મણસિંહ, ઝાલા જેસલસિંહ બચૂસિંહનું ઘટના સ્થળે મોત નીપજ્યા હતા.

અકસ્માતને પગલે ટ્રાફિક જામ થયો
અકસ્માતના બનાવને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાસ્થળે આસપાસથી સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ત્યારબાદ લોકોએ ઘટનામાં ભોગ બનેલા ચારથી વધુ ઇજાગ્રસ્ત લોકોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવારાર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના બનાવની તલોદ પોલીસને જાણ કરાતાં પોલીસ ઘટના સ્થળે દોડી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઘાયલ બે બાળકો
1. પ્રદ્યુમનસિંહ સમજદારસિંહ ઝાલા (6)
2. વિશ્વજીતસિંહ તિરૂપતિસિંહ ઝાલા (7)

અન્ય સમાચારો પણ છે...