કાર્યવાહી:હિંમતનગર નજીક આવેલ ભોલેશ્વરમાં મકાનમાંથી ચોરી કરનાર યુવક ઝડપાયો

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 18 વર્ષીય યુવકને ઝડપી રૂ.1.67 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો

હિંમતનગરના ભોલેશ્વરમાં 8 દિવસ અગાઉ થયેલ ઘરફોડના આરોપીને રૂરલ પોલીસે ઝડપી પાડી રૂ.24 હજાર રોકડ સહિત કુલ રૂ.1.67 લાખનો મુદ્દામાલ રિકવર કરી બાકીના મુદ્દામાલ ની શોધખોળ અને વધુ તપાસ માટે બીડીવીઝન પોલીસને સોંપ્યો હતો. ભોલેશ્વરમાં તા.06-07-22 ના રોજ ધોળે દહાડે એક મકાનના વોશરૂમની બારી તોડી કુલ રૂ.2.88 લાખની મત્તાની ચોરી થઇ હોવા અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

રૂરલ પીએસઆઇ કે.કે.રાઠોડે વિગત આપતાં જણાવ્યુ કે તા.13-07-22 નારોજ બાતમી મળી હતી કે ઝહીરાબાદ પંચાયત પાછળ ખુલ્લા મેદાનમાં છાપરામાં રહેતા વિપુલ સતીષભાઇ વાદી (18) પાસે સોના ચાંદીના દાગીના છે અને બજારમાં વેચવા જવાની ફીરાકમાં નીકળ્યો છે

જેને પગલે આરટીઓ કચેરી નજીક વોચમાં રહી બાતમી વાળા શખ્સને ઝડપી તેની પાસેની કોથળી ચેક કરતા અંદરથી સોના ચાંદીના દાગીના મળતાં આધાર પૂરાવા રજૂ કરવાનુ કહેતા ભાંગી પડ્યો હતો અને કબૂલાત કરી હતી કે તા.06-07-22 ના રોજ ભોલેશ્વરમાં બંધ મકાનના બાથરૂમની બારીમાંથી ઘરમાં પ્રવેશી રોકડ અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. પોલીસે તેની પાસેથી એક મોબાઇલ, 24,600 રોકડા અને સોનાચાંદીના દાગીના મળી કુલ રૂ.1,67,190 નો મુદ્દામાલ રિકવર કરી બાકીનો મુદ્દામાલ અને આગળની કાર્યવાહી કરવા આરોપીને બી ડિવિઝન પોલીસને સુપરત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...