વિજયનગર તાલુકાના અસ્થિર મગજના બિલડીયા ગામના યુવાનનો મૃતદેહ બિનવારસી હાલતમાં વણજ ડેમમાંથી મળી આવતા વિસ્તારમાં ચકચાર ફેલાઇ હતી. જોકે મૃતકનો મૃતદેહ બિલડીયા ગામના અસ્થિર મગજના યુવાનનો હોવાનુ તપાસ દરમિયાન બહાર આવ્યું હતુ. અસ્થિર મગજના યુવાનને પોતાના સગા ભાઇને બચકુ ભરવા જતા ભાઇએ લાકડી વડે માર મારતા અસ્થિર મગજના યુવાનનુ મોત નિપજયુ હતુ. જેનો મૃતદેહ તેના ભાઇએ વણજ ડેમમાં નાખી દીધી હોવાનું માલુમ પડતા હત્યાના બનાવ અંગે નવો વળાંક આવ્યો હતો. જેમાં મૃતક અસ્થિર મગજના યુવાનની પત્નીએ વિજયનગર પોલીસ મથકમાં પોતાના દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
1લી જાન્યુઆરીના રોજ વિજયનગર પોલીસને વણજ ગામના કાળાજી ખરાડીની બિનવારસી મૃતદેહ વણજ ડેમમાંથી મળી આવી હતી. જેથી વિજયનગર પી.એસ.આઈ. એ.બી.ચૌધરીએ મૃતક યુવાનના મૃતદેહના ફોટાના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મૃતક યુવાન બિલડિયા ગામનો મહેન્દ્રસિંહ રમણસિંહ ખરાડી હોવાનું માલુમ પડયુ હતુ. જેથી પોલીસે મૃતક મહેન્દ્રસિંહના ઘરે જઇ તેની પત્ની નિર્મળાબેનને મૃતકનો ફોટો બતાવ્યો હતો. જેથી નિર્મળાબેને આ મૃતદેહ તેના પતિ મહેન્દ્રસિંહનો હોવાનું જણાવ્યું હતુ. પોલીસે મૃતકના પોસ્ટમોર્ટમ બાદ ફોરેન્સિક વિભાગમાં મોકલી આપવામાં આવતા તબીબો દ્વારા મૃતકને માથામાં લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હોવાથી તેનુ મોત નિપજયુ હોવાનુ જણાવ્યું હતુ. જેથી મૃતકની મૃતદેહ પી.એમ. રીપોર્ટના આધારે અસ્થિર મગજના મહેન્દ્રસિંહ રમણસિંહ ખરાડીની હત્યા થઇ હોવાનુ માલુમ પડ્યું હતુ.
મૃતકના અગ્ની સંસ્કાર બાદ મહેન્દ્રસિંહની પત્ની નિર્મળાબેને પુછપરછ કરતા તેની સાસુ પુષ્પાબેને જણાવ્યુ હતુ કે, ગત 24મી તારીખે તુ તારા પિયર ઓલાન માહુડા ગામે ગઈ હતી. તે દરમિયાન મહેન્દ્રસિંહ તેના નાના ભાઇ મનોજને અચાનક અસ્થિર મગજ હોવાના કારણે ડૂચા ભરવા ગયો હતો. જેથી મનોજે લાકડી વડે માર મારતા અચાનક લાકડી મહેન્દ્રસિંહ ખરાડીના માથામાં વાગી હતી. જેથી તે બેભાન થઇ ગયો હતો અને મનોજે તેને ગાડીમાં લઇ દવાખાને લઇ ગયો હતો. જોકે પાંચેક દિવસ બાદ મનોજ ઘરે આવતા માતા પુષ્પાબેને મહેન્દ્રસિંહ અંગેની પુછપરછ કરતા મનોજે જણાવ્યું હતું કે, મહેન્દ્રસિંહને લાકડી વાગવાથી તેનુ મોત નિપજ્યુ હતુ. જેના કારણે તે ખુબ ગભરાઇ ગયો હતો અને તે તેણે મૃતદેહ વણજ ડેમમાં નાંખી દીધી હોવાનું જણાવ્યુ હતુ. આમ મહેન્દ્રસિંહની હત્યા તેના સગા ભાઇ મનોજે કરી હોવાનુ માલુમ પડતા મૃતક મહેન્દ્રસિંહની પત્ની નિર્મળાબેને પોતાના પતિની હત્યા કરનાર દિયર મનોજ રમણસિંહ ખરાડી વિરુદ્ધ વિજયનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.