વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગતા દરેક પાર્ટીઓ પોતાના પ્રચાર પ્રસાર જોરશોરથી કરી રહી છે. ત્યારે કોઈપક્ષનું પાર્ટી ચિહ્ન કમળ છે, તો કોઈ પાર્ટીનું ચિહ્ન પંજો, તો કોઈનું સાવરણીના ચિહ્નથી લોકોમાં પ્રસિદ્ધ છે. ત્યારે આજે હિંમતનગરના અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવતા એવા ઉમેદવાર મળ્યા, જેમની પાર્ટીનું ચિહ્ન સફરજન છે. પરંતુ તેમને લોકો મગનકાકા મૂછોવાળાના નામથી ઓળખે છે. જેમની મૂછ તેમની પાર્ટીની ઓળખ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. તો આવો જાણીએ કોણ છે આ મગનકાકા મૂછોવાળા...
પાર્ટીનું ચિહ્ન સફરજન પણ મગનકાકા મૂછથી ઓળખાય
હિંમતનગરમાં 27 વિધાનસભામાંથી ઉમેદવારી નોંધાવતા મગનભાઈ સોલંકી પહેલા એક આર્મી ઓફિસર તરીકે થળ સેનામાં ફરજ બજાવી ચૂક્યા છે. અને તેમની આર્મીમાં ફરજ પૂરી થતાં તેમણે પહેલા દેશની સેવા સરહદ પરથી કરી હતી અને હવે તેઓ દેશની સેવા ચૂંટણી લડીને કરવા માંગે છે. મગનભાઈએ પોતાની ઉમેદવારી હાલ અપક્ષમાંથી નોંધાવી છે. જ્યાં તેમની પાર્ટીનું ચિન્હ સફરજન છે, પરંતુ જ્યારે તેઓ ગામમાં પ્રચાર કરવા નીકળે છે. ત્યારે તેઓને સફરજનના ચિન્હથી નહીં પણ મગનભાઈ મૂછવાળાના નામે ઓળખાય છે. જ્યાં તેમની મૂછ પ્રચારમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
મગનકાકાની મૂછો 30 મિનિટે સેટ થાય છે
મગનકાકાએ તેમની મૂછો વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, હું આર્મીમાં જ્યારે ભરતી થયો હતો 19 વર્ષે ત્યારથી મૂછો રાખવાનો મને શોખ છે અને કહેવાય છેને મર્દ મૂછો વગર ન શોભે. એટલે હું 19 વર્ષનો હતો હતો ત્યારથી આજદીન સુધી મેં મૂછો કપાઈ નથી, પરંતુ અહિંયાના વાતાવરણ અને ગરમીના કારણે મૂછો અત્યારે નાની થઈ ગઈ છે. એ પહેલા મારી આનાથી પણ મોટી અને ભરાવદાર મૂછો હતી. મારી મૂછ એક તરફ અઢી ફૂટ અને બીજી તરફ અઢી ફૂટ એટલે પાંચ ફૂટ લાંબી છે. મૂછને હું પહેલા શેમ્પુથી ધોઈને તેને બને સાઈડથી વાળીને કંપનીની સ્પેશિયલ ક્રીમથી 30 મિનિટ માલિશ કર્યા પછી જ બહાર નીકળુ છું. જો હું મારી મછ બહાર ખોલું તો લોકો આટલી મોટી મૂછ જોઈને અચંબામાં પડી જાય છે.
તમે શા માટે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી
મગનભાઈએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, મારે થળ સેનામાં આર્મીમાં ફરજ બચાવી નિવૃત થયે 10 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. નિવૃત થયા બાદ અત્યારની ચૂંટણી પહેલા હું 2 ચૂંટણી લડી ચૂક્યો છું. જેમાં એક વિધાનસભામાં બહૂજન સમાજ પાર્ટી તરફથી અને બીજી લોકસભામાંથી અપક્ષ તરફથી લડી ચૂક્યા છું. જ્યારે હું બહુજન સમાજ પાર્ટીમાં લડ્યો હતો. ત્યારે મને કોઈએ સહકાર નહતો આપ્યો પછી મેં બીજીવારમાં અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી અને ત્યારે મને 2500 વોટ મળ્યા હતાં. આ વખતે પણ ઘણા લોકોએ મને કહ્યું તમે લડો અને મારૂ માજી સૈનિકોનું સંગઠન પણ છે જેનો વિશ્વ સ્તરે વિકાસ કરવા માટે અને લોકો હાલ ઘણી મુશ્કેલીઓથી પિડાઈ રહ્યા છે તો તેમને પણ સેવા કરવાના હેતુથી મેં આ વખતે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.