ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા જિલ્લા મહિલા અને બાળ વિભાગ અને હિમતનગર આઈ.સી.ડી.એસ વિભાગના સંયુક્ત ઉપક્રમે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના ડૉ.નલીનકાંત ગાંધી ટાઉન હોલમાં ગુરુવારે સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળાનો કાર્યક્રમ હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલાના અધ્યક્ષતામાં યોજાયો હતો.
આ કાર્યક્રમમાં હિંમતનગર ધારાસભ્ય વી. ડી ઝાલાએ જણાવ્યું હતું કે, ભારત યુવાપ્રધાન દેશ છે. દેશનું ભાવિ યુવાનો ઉપર નિર્ભર કરે છે. આથી દેશનું યુવાધન તંદુરસ્ત રહે તે અનિવાર્ય છે. દેશની સાચી સમૃધ્ધી દેશની સશક્ત મહિલા છે. આજના વર્તમાન સમયમાં કિશોરીઓ ફાસ્ટ ફૂડ જેવા અસમતોલ આહારના ઉપયોગથી પોતાના સ્વાસ્થને જોખમમાં મૂકી રહી છે. કિશોરીઓ પોતાના સ્વાસ્થ પ્રત્યે જાગૃતતા દાખવે તે અત્યંત જરૂરી છે.
ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ કું.કૌશલ્યા કુવરંબાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાને દેશના વિકાસની સાથે સાથે દેશની દિકરીઓના સ્વાસ્થની પણ ચિંતા કરી છે. દિકરીઓના સર્વાંગી વિકાસ અર્થે પૂર્ણા યોજનાની જેમ અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. પૂર્ણા યોજના અંતર્ગત 15થી 18 વર્ષની શાળાએ જતી અને શાળાએ ના જતી કિશોરીઓને માટે પોષણ અને આરોગ્ય સ્થળ, જીવન કૌશલ્ય તાલીમ, વ્યવસાયિક તાલીમ અને તેઓ પોતાનો વિકાસ જાતે કરી શકે તે રીતે તેને તૈયાર કરવાના હેતુસર ગુજરાત સરકાર દ્વારા પૂર્ણા યોજના અમલી બનાવવામાં આવી છે.
વિવિધ ક્ષેત્રે સિધ્ધીઓ મેળવેલ કિશોરીઓને પૂર્ણા કપ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. કિશોરી અભિયાન મેળામાં કિશોરીમાં પોષણનું મહત્વ, સ્વાસ્થ સંબંધિત જાણકારી, રોજગારી, કાયદાકીય જાગૃતતા તેમજ પૂર્ણા પેકેટમાંથી બનાવેલ સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં હિંમતનગર ધારાસભ્ય વી.ડી.ઝાલા, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ યતિનબેન મોદી, હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ વિનોદચંદ્ર પટેલ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, આંગણવાડી કાર્યકર તેમજ મોટી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.