આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022માં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન પ્રોગ્રામ એટલે કે સ્વીપ દ્વારા સાબરકાંઠા જિલ્લાના ચાર વિધાનસભા મતક્ષેત્રોના મતદારો માટે મતદાન જાગૃતિ અને મતદાન સહભાગીદારીતા માટે અનેકવિધ કાર્યક્રમો થકી જાગૃતતા લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે મતદાન જાગૃતિ માટે જિલ્લાના 44 બુથ પર સિગ્નેચર કેન્પેઇન, શેરી નાટકો, ડોર ટુ ડોર જાગૃતિ માટે બી.એલ.ઓ દ્વારા ઘેર-ઘેર મુલાકાતો, શાળા કોલેજોમાં મતદાન જાગૃતિને લઈ મહેંદી સ્પર્ધાઓ, ચિત્ર સ્પર્ધાઓ, વકૃત્વ સ્પર્ધાઓ, સંકલ્પ પત્રો જેવી વિવિધ પ્રવૃતિઓ દ્વારા ખાસ મતદાન જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
વિધાનસભા ચુંટણીમાં જિલ્લામાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. ત્યારે કલેક્ટર કચેરી સભાખંડમાં એમ.સી.એમ.સી. સમિતિના સભ્યોની બેઠક મળી હતી. જેમાં મુખ્યત્વે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવતા સમાચારો અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ઉમેદવાર દ્વારા આપવામાં આવતી જાહેર ખબર તેમજ મીડિયામાં આવતા પેડ સમાચાર અંગે જે તે ઉમેદવારના ખર્ચમાં ગણતરી કરવાની થાય છે. તે અંગે સસ્પેક્ટેડ ન્યૂઝનું જિલ્લા માહિતી ખાતા દ્વારા રોજે રોજ નિરીક્ષણ કરવામાં આવે છે.
ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવતી ચેનલોનું મીડિયા સેન્ટર ખાતે શિક્ષકો દ્વારા 24 કલાક સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. અને અલગ અલગ ચેનલોના રજીસ્ટરમાં સસ્પેક્ટેડ ન્યૂઝનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. આ બેઠકમાં આચારસંહિતા અમલમાં આવી ત્યારથી કોઈ પેડ ન્યુઝ અંગેના અહેવાલ પ્રસારિત થયા છે કે નહી. તે અંગેનો અહેવાલ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર, હિંમતનગર પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામી, એન.આઇ.સી.ના હરીશકુમાર તથા દુરદર્શન સભ્ય ભરત ચૌહાણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.