સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં ખેડવા ગામની એક્લવ્ય ઉત્તર બુનિયાદી વિધ્યાવિહાર હાઇસ્કુલ ખાતે અધિક જિલ્લા આરોગ્ય અધિકારિની અધ્યક્ષતામાં કિશોર-કિશોરીઓના પોષણ, એનીમિયા, જાતીય ફેરફાર અંતર્ગત સામાજીક અને વર્તણૂંક પરિવર્તન સંચાર (SBCC) કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારિ ડૉ. કિશોરસિંહ ચારણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ વ્યક્તિના વર્તન અને અભિગમમાં બદલાવ લાવવામાં અગત્યની ભૂમિકા ભજવશે. પાંડુરોગમાં માતા-પિતાની ભૂમિકા, ઉચિત આહારની પસંદગી, મોંઘા ફળો અને બજારુ ખોરાકને પસંદ ન કરતાં સ્થાનિક અને ઘર આગળ મળતા ફળ અને શાકભાજીના ઉપયોગથી બાળક તથા માતાના હિમોગ્લોબીનનું પ્રમાણ ઊંચું લાવી શકાશે.
ઘરમાં ખોરાક બનાવવામાં વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવાથી આહારની ગુણવત્તા જળવાઈ રહે છે. વિશેષમાં તેઓએ દીકરીઓને માસિકધર્મ સમયે સમગ્ર જીવનકાળ દરમિયાન વપરાતા લોહીની ગણતરી કરાવી આર્યન ગોળી, લોહતત્વ યુક્ત આહારના મહત્ત્વ માર્ગદર્શન આપ્યુ હતું.
આ કાર્યક્રમમાં ધોઇ હેલ્થ & વેલનેસ સેન્ટરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડો. હિતેદ્રભાઇએ વિદ્યાર્થીઓને ઘરે બનાવવામાં આવતી વાનગીઓ જેવી કે મકાઇના રોટલા, રીંગણાં, મેથીનું શાક, સરગવાનો સૂપ, તલ-સીંગ ચીકી, દાળબાટી, ઢોકળી, કેરીની ચટણી, કઠોળ અને શાકભાજીનો સલાડ, પૌષ્ટિક ખીચડી, મેથીના થેપલા જેવી ઘરેલું વાનગીઓમાંથી મળતા પોષક તત્વોનું મહત્ત્વ સમજાવી વાનગી બનાવી રસોઈ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
RKSK કાઉંસિલર નેન્સિબેને માસિક ધર્મ દરમિયાનની કાળજી, તરુણાવસ્થાના ફેરફારો, સેનેટરી પેડના ઉપયોગ અંગે વિદ્યાર્થીનીઓને જાણકારી આપી હતી. શાળાની દીકરીઓને 1100 સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
RCHOએ જણાવ્યું કે, સામાજીક અને વર્તણૂંક પરિવર્તન સંચાર કાર્યક્રમ દ્વારા જિલ્લામાં હેલ્થ & વેલનેસ સેન્ટરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો દર અઠવાડીયે તેમના સેંટર પર બેઠકો કરી આરોગ્ય શિક્ષણની કામગીરી કરે છે. વિદ્યાર્થીઓએ સમતોલ આહાર અને એનેમીયા વ્યસન મુક્તિ વિષય પર સ્પીચ આપી હતી.
તેમજ વિદ્યાર્થીઓનો-ટોબેકો વિષય પર ચિત્રો બનાવી વ્યસનમુક્તિ પર તેમના વિચારો વ્યક્ત કર્યા હતા. શારીરિક અને માનસિક વિકાસમાં પૌષ્ટિક આહાર ખુબ અગત્યનો છે. ઉપસ્થિત પરિવારના વડીલોને બાળકોને જંકફૂડ ના આપતા તેમને ઘરેલું આહાર લેવાની ટેવ પાડવા જણાવવામાં આવ્યું હતું.
આ વાનગી હરિફાઇ અને વ્યસન મુક્તિ સ્પર્ધાના વિજેતા બાળકોને પ્રોત્સાહક ઇનામ આપવામા આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેડબ્રહ્માં તાલુકા આરોગ્ય અધિકારી ડૉ કે એમ.ડાભી, વૃદ્ધિ પ્રોજેક્ટના ઓફિસર કુલદિપ સિંહ, શાળાના આચાર્ય સહિત મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.