કાર્યવાહી:હિંમતનગર તાલુકાના બેરણા પાસે બિનવારસી કારમાંથી 234 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો

હિંમતનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાબરકાંઠા એસઓજીએ બેરણા ગામના પ્રવેશદ્વાર  આગળથી બિનવારસી કારમાંથી 7 લાખનો પોષડોડાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. - Divya Bhaskar
સાબરકાંઠા એસઓજીએ બેરણા ગામના પ્રવેશદ્વાર આગળથી બિનવારસી કારમાંથી 7 લાખનો પોષડોડાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
  • સાબરકાંઠા એસઓજીની તપાસમાં કારનો રજીસ્ટર્ડ માલિકનું સરનામું ખોટું હોવાનું બહાર આવ્યું
  • 9 પ્લાસ્ટિકના થેલામાંથી જથ્થો મળ્યો, કાર સહિત કુલ~ 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

સાબરકાંઠા એસ.ઓ.જી.ને શનિવારે બપોરે હિંમતનગરના બેરણામાં શંકાસ્પદ માદક પદાર્થ સાથે બિનવારસી કાર પડી હોવા અંગે માહિતી મળ્યા બાદ સ્થળ પર જઇ તપાસ કરતા સફેદ રંગની કારમાંથી સફેદ અને કાળાં રંગના પ્લાસ્ટીકના 9 જેટલા થેલા મળતાં અને માદક ગંધ આવતી હોય એફ.એસ.એલ.ના માધ્યમથી પરીક્ષણને અંતે પોષડોડા હોવાનું પુરવાર થતાં કુલ 234 કિલો અને 420 ગ્રામનો જથ્થો કિં. 7,03,260 કબજે લઇ ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી તપાસ હાથ ધરાઇ હતી. જોકે કારનો રજીસ્ટર્ડ માલિકનું સરનામું ખોટું હોવાનું બહાર આવ્યું છે.

એસ.ઓ.જી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તા.04-06-22 ના રોજ બપોરે સાડા ત્રણેક વાગ્યે એક નાગરિકે ફોન કરીને જાણ કરી હતી કે હિંમતનગર ગાંભોઈ નેશનલ હાઈવે પર બેરણાના પાટિયા થી આશરે 100 મીટર દૂર બેરણાના પ્રવેશ દ્વાર આગળ એક કાર નં. જીજે-03-કેપી-3063 બિનવારસી હાલતમાં પડી છે જેમાં સફેદ અને કાળા રંગના પ્લાસ્ટિકના થેલા છે અને કારમાંથી માદક વાસ આવી રહી છે.

માહિતીને પગલે એસઓજી ટીમ બેરણાના પ્રવેશ દ્વારે પહોંચી હતી. એસઓજી પીઆઇ પ્રહલાદ સિંહ વાઘેલાએ જણાવ્યું કે કાર નં જીજે-03-કેપી-3063માં તપાસ કરતા સફેદ રંગના ચાર અને કાળા રંગના પાંચ થેલા મળ્યા હતા. કારમાં કેટલોક જથ્થો છૂટો પડ્યો હોવાનું જોવા મળતા અને માદક વાસ આવતી હોઈ એફએસએલ અધિકારીને સ્થળ પર બોલાવ્યા હતા અને તેમણે પોતાની કીટ વડે ચકાસણી કરતા ઓપીયમ આલકલોઇડઝની હાજરી હોવાનું પ્રાથમિક પરીક્ષણમાં આવતા પોષડોડા હોવાનું પુરવાર થયું હતું. અંધારું થઈ ગયું હોવાથી કારને ટો કરી ગંભોઈ પોલીસ સ્ટેશન લઇ જવાઇ હતી અને કુલ 234 કિલો 420 ગ્રામ પોષડોડાનો જથ્થો કિં. રૂ.7,03,260 અને 3 લાખની કાર કબ્જે લઇ એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે

રૂપિયા સાત લાખનો પોશડોડાનો બિનવારસી જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો છે ગાડી કોણ મૂકી ગયું કયારે મૂકી ગયું કાર કેમ છોડવી પડી તેની વિગતો પણ પ્રાપ્ત નથી તદ્દઉપરાંત કારના માલિકનું જે નામ સરનામું મળ્યું છે તેમાં દેરોલમાં આ નામનો કોઈ વ્યક્તિ જ રહેતો નથી ત્યારે નશાનો વેપાર કરતું નેટવર્ક આરટીઓ દલાલોના માધ્યમથી પોલીસથી બે કદમ આગળ નીકળી ગયું છે તેવું સ્પષ્ટ રીતે જણાય છે.

હાઇવેની ચોક્કસ હોટલોમાં નશાનો કાળો કારોબાર
પોષડોડાનો સૌથી વધુ ઉપયોગ પંજાબ અને રાજસ્થાનના ટ્રક ડ્રાઈવરો કરે છે. હવે મેટ્રોસિટીમાં પણ કેટલાક યુવાનો પોષડોડાના બંધાણી થઈ રહ્યા છે અને માંગ પણ વધી છે હાઇવે પરની કેટલીક ચોક્કસ હોટલોમાં નશાનો આ કાળો કારોબાર ચાલી રહ્યો છે.

પોષડોડાને કાથો,ચા જેવા પીણાં વગેરેમાં પણ ઉપયોગ કરીને લોકોને બંધાણી બનાવાય છે
અફીણના છોડ ઉપર ફ્લાવરિંગ સમયે કાચું હોય ત્યારે ચીરા મારવામાં આવે છે જેમાંથી નીકળતો રસ સૂકાઈને ગંઠાઈ જાય ત્યારે અફીણ બને છે અફીણ નો રસ મહત્તમ પ્રમાણમાં લઈ લીધા બાદ છોડ સૂકાઈ જાય છે. આ સુકાયેલો છોડ પોષડોડા તરીકે ઓળખાય છે જેનું સેવન કરવાથી પણ નશો થાય છે. પાનનો કાથો,ચા જેવા પીણાં વગેરેમાં પણ ઉપયોગ કરી લોકોને બંધાણી બનાવાય છે.

ગ્રાહકની ઇચ્છા મુજબની પડીકી બનાવાય છે
પોષડોડા છોડનો જથ્થો લાવ્યા બાદ હોટલો ફેક્ટરીઓમાં નોકરો પાસે તેનો પાવડર બનાવી તે પાવડરને ચોક્કસ માત્રામાં નાની થેલીઓમાં પેક કરાય છે અને ગ્રાહકની ઈચ્છા મુજબના વજન કિંમતની પડીકીઓનું વેચાણ કરાય છે. મહદંશે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી આ જથ્થો લવાય છે

અન્ય સમાચારો પણ છે...