સાબરકાંઠાના વડાલી તાલુકામાં હાથરવા ખાતે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા એકમના સંયુક્ત ઉપક્રમે બાળ લગ્ન નાબૂદી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડાલી તાલુકા પંચાયત પ્રમુખ બાબુ ખાંટે તમામ સમાજના આગેવાનો સાથે તમામ સમાજોમાં બાળલગ્નનું પ્રમાણ ઘટાડવા અંગે સૂચન કર્યુ હતું. આગામી સમયમાં યોજાનાર લગ્ન અને સમૂહ લગ્નમાં બાળલગ્ન ન થાય તેની કાળજી લેવા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ.એચ.પટેલ દ્વારા બાળ લગ્ન પ્રતિબંધક ધારો-2006ના કાયદા વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી એસ.એસ.પાંડોર દ્વારા બાળકો માટેના વિવિધ કાયદાઓ અને બાળકોની યોજનાઓ વિશે સમજ આપવામાં આવી હતી. વડાલી તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા બાળલગ્નથી આરોગ્ય પર થતી આડ અસરો વિશે સમજ આપવામાં આવી હતી.
વડાલી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા બાળલગ્ન થકી બાળકોના શિક્ષણ પર થતી આડ અસરો વિશે વિગતવાર વાત કરવામાં આવી હતી. બાળ લગ્ન અટકાયત કાર્યક્રમનું આયોજન અને સંચાલન જિલ્લા બાળ સુરક્ષા એકમના મુકેશ સોલંકી અને દેવલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડાલી તાલુકા પંચાયત ઉપપ્રમુખ રશ્મિકાબેન પટેલ, હાથરવા-અસાઈ-(વાસણા)-માલપુર અને વાસણ ગામના સરપંચો તેમજ વિવિધ ગામના અલગ-અલગ સમાજના આગેવાન ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
5 નવી એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરાયું
હિંમતનગરમાં જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે 5 એમ્બ્યુલન્સ વાનને લીલી ઝંડી આપવામાં આવી હતી. ન્યુ ગુજરાત પેટર્ન અંતર્ગત પોશીના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઉપયોગ અને આદિજાતિ વિસ્તારના નાગરિકોને સારી આરોગ્ય સેવા મળી રહે તે માટે 5 નવી એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરાયું.
સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા માટે નવીન એમ્બ્યુલન્સ વાન સેવા મહત્ત્વની સાબિત થશે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અમરત પરમાર, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ વિપુલ પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન, જિલ્લા પંચાયત સદસ્યઓ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા પંચાયતનો સ્ટાફ હાજર રહ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.