વધુમાં વધુ મતદાન કરવા સંકલ્પ લેવડાવ્યો:હિંમતનગરમાં ચાર વિધાનસભા માટે વડાપ્રાધાન નરેન્દ્ર મોદીની જંગી જાહેર સભા યોજાઈ

સાબરકાંઠા (હિંમતનગર)2 મહિનો પહેલા

હિંમતનગરના ખેડ તસીયા રોડ પર આવેલ વૈશાલી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજય સંકલ્પ સંમેલનમાં કોંગ્રેસને આડે હાથે લઇ જણાવ્યું હતુ કે, આદિવાસીયોના યોગદાનને કોંગ્રેસે કયારેય સ્વીકાર્યુ નથી. ગુજરાતમાંથી દિલ્હીમાં મીઠુ મોકલવામાં આવે છે, ત્યારે કેટલાક લોકો મીઠુ ખાધા બાદ પણ ગુજરાત સાથે નમક હલાલી કરી રહ્યા છે. સૌનો સાથ સૌનો વિકાસના એકમાત્ર સંકલ્પ સાથે વિકસીત ગુજરાત બનાવવા માટે માળખાકીય સુવિધાઓ ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે સાબરકાંઠાની ચારેય વિધાનસભા બેઠક પર વધુમાં વધુ મતદાન કરાવી જૂના રેકોર્ડ તોડવાનો સંકલ્પ લેવડાવ્યો હતો.

આ વખતની ચૂંટણી જનતા લડાવી રહી છે: પ્રધાનમંત્રી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતેના સંસ્મરણોને યાદ કરી તેમણે જણાવ્યું હતુ કે, પ્રથમ ચરણના મતદાનમાં મતદારોએ ઉત્સાહ પૂર્વક મતદાન કર્યુ છે. ત્યારે પ્રથમ વખત મતદાન કરવા જતા મતદારોનો આભાર માનુ છું. ચૂંટણી દરમિયાન અલગ અલગ જગ્યાએ જઇ લોકોને મળી દર્શન કરવાનો મને મોકો પ્રાપ્ત થયો છે. આ વખતની ચૂંટણી જનતા લડાવી રહી છે અને ભાજપ સરકારમાં ભરોસો જોવા મળે છે. આ વખતની ચૂંટણી માત્ર 5 વર્ષ માટેની ચૂંટણી નથી, આગામી 25 વર્ષના વિકાસ માટેની ચૂંટણી છે.

‘દિલ્હીમાં ગુજરાતમાંથી ​​​​​​​મીઠુ મોકલવામાં આવે છે’
ભાજપની સરકારે જનતાને ધ્યાનમાં રાખી સમયસ્યાના ઉકેલોના પ્રયાસ કર્યા છે. સુજલામ સુફલામ યોજના દ્વારા પાણી પહોંચાડયા છે. સાબરકાંઠા જિલ્લામાં 400 કરોડ જેટલી રકમ સુક્ષમ સિંચાઇ પધ્ધતિ માટે લગાવી ખેડૂતો મગફળી, બટાકા, કપાસ સહિતના પાકોનુ મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં 20 વર્ષમાં મગફળીની વાવણી ડબલ થઇ ગઇ છે. સાબરકાંઠા જિલ્લાના શાકભાજી, દૂધ, બટાકા દિલ્હીના લોકો ખાઇ રહ્યા છે. ગુજરાતમાંથી દિલ્હીમાં મીઠુ મોકલવામાં આવે છે, ત્યારે કેટલાક લોકો મીઠુ ખાધા બાદ પણ ગુજરાત સાથે નમક હલાલી કરી રહ્યા છે.

‘125 કરોડ દેશવાસીઓ અમારો પરિવાર’
વધુમાં જણાવ્યું કે, રાષ્ટ્રનુ કલ્યાણ એજ આમારો સંકલ્પ છે. તે માર્ગ પર સૌનો સાથ સૌનો વિકાસનો મંત્ર લઇ આગળ ચાલી રહ્યા છીએ. આગામી 25 વર્ષમાં ગુજરાતને વિકસીત ગુજરાત બનાવી વિશ્વના કોઇપણ દેશ કરતા ગુજરાત કોઇપણ માપદંડમાં સહેજ પણ પાછુ ન હોય તેવુ સમૃધ્ધ ગુજરાત બનાવીશું. 125 કરોડ દેશવાસીઓ અમારો પરિવાર છે, તેમ જણાવ્યું હતું.

આ સભામાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત સાબરકાંઠા જીલ્લાના સંગઠનના હોદ્દેદારો અને ચારેય વિધાનસભાના ઉમેદવારો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...