સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી ગાંભોઇ રોડ પર 24 કલાક પહેલા કેમિકલના ડબ્બા ભરેલા કન્ટેનરમાં આગ લાગતાં હિંમતનગર ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ પાણી મારતા કેમિકલ સળગતું હોવાની ઘટનાને લઈને ગાંભોઇ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને એક તરફનો નેશનલ હાઇવે બંધ કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગે પણ આગ બુઝાવવા માટેની કામગીરી કરી હતી પરંતુ આગ કાબૂમાં આવી નથી રહી અને કેમિકલના કારણે ધુમાડો ચાલુ જ રહે છે અને જેનાથી નાક અને ગળામાં બળતરા થાય છે.
50 કિલોનો એક એવા 300 ડબ્બા કેમિકલ ભરીને કન્ટેનર નીકળ્યું
સ્થળ પર ફાયર દ્વારા ઇન્ચાર્જ ફાયર ઓફિસરને જાણ કરાઇ છે, જે અંગે ડિઝાસ્ટરમાં જાણ કરાઈ છે અને કેમિકલની આગને કેવી રીતે કાબૂમાં લેવાય તેનું માર્ગદર્શન લેવાઈ રહ્યું હોવાનું ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું તો ફાયરની કામગીરી યથાવત છે. શુક્રવારે કરણપુર પાસે આ કન્ટેનરમાં આગ લાગી હતી, જે આગ પર ફાયર દ્વારા કાબૂ મેળવી લેવાયો હતો. પરંતુ રવિવારે ફરી આગ લાગી છે. રાજસ્થાનથી અમદાવાદ સોડિયમ હાઇડ્રો સલ્ફાઈટના 50 કિલોનો એક એવા 300 ડબ્બા કેમિકલ ભરીને કન્ટેનર નીકળ્યું હતું. જેમાં શુક્રવારે રાત્રે આગ લાગી હતી. જેમાં હિંમતનગર ફાયર વિભાગે ત્રણ ટેન્કર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. ત્યારબાદ શનિવારે હિંમતનગર ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં આ અંગે ટ્રકના ચાલકની ફરિયાદ આધારે જાણવાજોગ નોંધવામાં આવી હતી.
એક તરફનો રોડ પણ બંધ કરવામાં આવ્યો
બે દિવસમાં બે વાર કેમિકલ ભરેલા કન્ટેનરમાં આગ લાગતાં તેને બુઝાવવામાં તંત્ર લાચાર બન્યું છે. તો એક તરફનો રોડ પણ બંધ કરવામાં આવ્યો છે. પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે ઉભુ છે. જો કે પાંચ કલાકે પણ આગ યથાવત રહેવા પામી છે અને કેમિકલના ટીનમાં બ્લાસ્ટ થતાં અવાજ આવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.