પ્રાંતિજના તાજપુરમાં વર્ષ 2019 માં ટ્રકની ટક્કરે રિક્ષા ચાલક અને તેની પત્નીને ગંભીર ઇજાઓ થયા બાદ પત્નીનું મોત નિપજવાના કિસ્સામાં રિક્ષા ચાલકે પોતાને થયેલ ઇજા ,રિક્ષાનું નુકસાન અને પત્નીના મોતના વળતર માટે ત્રણ એમએસીટી દાખલ કર્યા બાદ વીમા કંપનીની તપાસમાં ટ્રકના ચાલક-માલિકે ઇન્સ્યોરન્સ પોલિસી સાથે ચેડાં કરી અકસ્માત વળતર ચૂકવવું ન પડે તે માટે બોગસ ઇન્સ્યોરન્સ પોલિસી રજૂ કરી હોવાનું ખુલ્યા બાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ઉત્તરપ્રદેશના ટ્રક માલિક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
તા. 07-09-19 ના રોજ દસકોઈના ઇન્દિરા નગરમાં રહેતા પોપટભાઈ મફતભાઈ સોઢા, કનુભાઈ મફતભાઈ સોઢા અને કિંજલબેન પોપટભાઈ સોઢા રિક્ષા નંબર જીજે-ટીએ-0352 માં જઈ રહ્યા હતા. તે દરમિયાન તાજપુર નજીક ટ્રક નંબર યુપી-17-ટી-5881 ના ચાલકે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેની પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. તા. 13-12-21 ના રોજ પોપટભાઈએ પોતાની ઇજાઓ રિક્ષાનું નુકસાન તથા કિંજલબેનના મોતના વળતર માટે ત્રણ એમએસીટી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં દાખલ કરી હતી.
જેની નોટિસની બજવણી થતાં ટ્રક માલિકે રજૂ કરેલ વીમા પોલિસીની શ્રી રામ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના વકીલ હાજર થયા હતા અને તપાસ હાથ ધરતાં પોલીસી અનુજ કુમાર(રહે.નવી દિલ્હી)ના નામની અને આઇટેવન્ટી ગાડીની હતી.
જ્યારે ટ્રકના ચાલક-માલિક નસીબ રફીક રાજપૂતે (રહે.જહાનગઢ ઉર્ફે દોજા તાલુકો જીલ્લો બાગપત ઉત્તર પ્રદેશ)પોલીસી નંબર, એક્ઝિક્યુટિવ કોડ, એજન્ટ ડીટેલ, પોલીસીનો સમયગાળો અને મોબાઈલ નંબરમાં ફેરફાર કરી ખોટી પોલિસી તૈયાર કરી એમએસીટી કોર્ટમાં વળતર ન ચુકવવું પડે તે માટે બોગસ પોલીસી રજૂ કર્યાનું બહાર આવતા શ્રીરામ ફાઇનાન્સ કંપનીના લીગલ ઓફિસર સ્નેહલતા ગૌતમચંદ ઢેલડીયાએ પ્રાતિજ પોલીસ સ્ટેશનમાં નસીમ રફીક રાજપૂત વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.