પોશીના ત્રિપલ મર્ડર કેસ મામલો...
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના અજાવાસ ગામમાં બુધવારે રાત્રે મહેમાન બનીને ઝીઝણાટ ગામેથી આવેલા બહેનના દિયરે મધરાત બાદ પિતા-પુત્રની હત્યા કર્યા બાદ દિયરની હત્યા થઇ હતી. બનાવ બાદ પોશીના પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં બે ફરિયાદો નોંધાઇ છે. તો બીજી તરફ હત્યા કરાયેલા ત્રણેય મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ પરિવારજનોને મૃતદેહો સોંપી દેવામાં આવ્યા છે.
અજાવાસમાં લલ્લુ લાડુ ગમારના ઘરે બુધવારે રાત્રે ઝીઝણાટ ગામના બહેનના દિયર રમેશ ઉદા બુબડીયા આવ્યા હતા અને રાત્રે રોકાયા હતા. તો મધરાત બાદ અચાનક રમેશ ખાટલામાંથી ઉભા થઈને ખાટલામાં મીઠી નીંદર માણતા લલ્લુ અને તેમના પુત્ર કલ્પેશ પર કુહાડી વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી.
ત્યારબાદ માતા દારીબેન પુત્રો સાથે ઘરની બહાર નીકળી ગઈ હતી અને બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.0 હત્યારા રમેશ બુબડીયાની પણ ઘરમાંજ હત્યા કરી દેવાઈ હતી. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ કાર્યવાહી હાથ ધરીને ત્રણેય મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે પોશીના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ત્રણેય મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તો આ ત્રણ હત્યા સંદર્ભે પોશીના પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ ફરિયાદો નોંધાઇ છે.
પ્રથમ ફરિયાદ દારી લલ્લુ ગમારે નોંધાવી હતી. જેમાં અજાવાસ ગામે આવેલા ઝીઝણાટ ગામના રમીયા ઉર્ફે રમેશ ઉદા બુબડીયાને તેમના બાપા લેવા આવેલા ન હોઈ અને દારીના પતિ લલ્લુએ રમેશને ઘરે જવાનું કહેતા ઉશ્કેરાઈ ગયા હતા. જેને લઈને ઘરમાં રાખેલી કુહાડીથી પતિ લલ્લુ અને પાંચ વર્ષીય પુત્ર કલ્પેશને ગળામાં તેમજ માથામાં જીવલેણ ઘા કરી મોત નીપજાવ્યું હતું અને પોતે પણ મરણ ગયો હતો. આ અંગે મરણ જનાર રમેશ ઉદા બુબડીયા સામે પિતા-પુત્રની હત્યાનો ગુનો નોંધાયો હતો.
બીજી ફરિયાદ ઝીઝણાટ ગામના રાણી ઉજરી ફળિયામાં રહેતા કાકા બાબુ બેતા બુબડીયાએ નોંધાવી હતી. જેમાં બાબુના ભત્રીજા રમેશ બુબડીયા અજાવાસ ગામના લલ્લુ લાડુ ગમાર તથા તેમના દીકરા કલ્પેશ લલ્લુ ગમારનાઓને કુહાડીના ઘા મારી જીવલેણ હુમલો કરી મારી નાખ્યો હતો. જેની અદાવત રાખીને તેજ સમયે મરણ જનાર લાલુના ભાઈ મકના લાડુ ગમાર તથા મરણ જનારનો દીકરો પીન્ટુ લલ્લુ ગમારનાઓએ બાબુ બેતા બુબડીયાના ભત્રીજા રમીયા ઉર્ફે રમેશ બુબડીયાને તીર પથ્થરો અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારોથી શરીર પર જીવલેણ ઈજાઓ પહોંચાડી મોત નીપજાવ્યું હતું.
આ અંગે મરણ જનાર લલ્લુ ગમાંરના ભાઈ મકના લાડુ ગમાર અને લલ્લુનો પુત્ર પીન્ટુ લલ્લુ ગમાર સહિત બે સામે હત્યાનો ગુનો નોંધાયો છે. પોશીના પોલીસે બે અલગ ફરિયાદો અંગે ત્રણની હત્યાનો ગુનો નોંધી ત્રણેય મૃતદેહોને પોશીના આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટ મોર્ટમ કર્યા બાદ ત્રણેય મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપી દીધા હતા. ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાંતિજના વાધપુર હત્યા મામલો...
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વાધપુરના યુવાનની હત્યા બાદ પ્રાંતિજ પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે બાકી રહેલા ત્રણ આરોપીઓમાં એક બાળ આરોપી સહિત ત્રણ આરોપીઓને ઝડપી લઈને જેલ ભેગા કર્યા છે.
પ્રાંતિજના વાધપુર ગામે પ્રેમપ્રકરણને લઈને વાધપુર ખાતે રહેતા 26 વર્ષના રણજીતસિંહ રજુજી ચૌહાણને પાંચ યુવાનો દ્વારા તેને જીવલેણ મારમારતા મોત નિપજ્યું હતું. જેને લઈને પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે યુવાનના મોતને લઈ ગામના જ પાંચ ઈસમો રાકેશ ભગા દેવીપૂજક, મુકેશ રામા દેવીપૂજક, હસમુખ અમરત દેવીપૂજક, ભરત રમણ દેવીપૂજક, સોમા રમણ દેવીપૂજક આ તમામ રહે. વાધપુર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ થઇ હતી. જેમાં પ્રાંતિજ પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ રાકેશ ભગા દેવીપૂજક તથા મુકેશ રામા દેવીપૂજકની ધરપકડ કરી હતી.
તો અન્ય ત્રણ આરોપીઓમાં એક બાળ આરોપી તથા અન્ય બે ભરત રમણ દેવીપૂજક, સોમા રમણ દેવીપૂજક ત્રણેય આરોપીઓને પ્રાંતિજ પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમા બાળને મહેસાણા ખાતે આવેલા બાળગૃહમાં મોકલી આપવામાં આવ્યો હતો. તો પ્રાંતિજ પોલીસે બાળ આરોપી સહિત હત્યાના ચારેય આરોપીઓએ ઝડપી પાડીને જેલ હવાલે કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.