ઇડરની મોટા કોટડા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા અસ્થિબેંકની રચના કરી વર્ષમાં એકવાર ગંગાજીમાં વિધિ વિધાન સાથે વિસર્જન કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો ઠરાવ કરાતા પાંચ ગામમાં આનંદની લાગણી પેદા થઇ હતી. મોટા કોટડા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ કોકીલાબેન જગુભાઇ પટેલે જણાવ્યું કે દરેક વ્યક્તિ પોતાના સ્વજનના અસ્થિઓનું હરીદ્વાર જઇ ગંગાજીમાં વિસર્જન કરી શકતા નથી પંચાયતના સદસ્યોએ આ બાબતે ચર્ચા વિચારણા કરી અસ્થિ બેંક બનાવવાનો નિર્ણય કર્યો છે.
તથા વર્ષમાં એકવાર હરીદ્વાર જઇ અસ્થિઓનું સામૂહિક વિસર્જન કરવાનું નક્કી કરાયુ છે જેમાં અસ્થિઓને વ્યવસ્થિત રીતે પેક કરી પોતાની પાસે અથવા પંચાયત પાસે રાખી રજીસ્ટરમાં નોંધ કરાવવાની રહેશે. તેમણે ઉમેર્યું કે અસ્થિ વિસર્જન પહેલા અસ્થિ મૂકનાર સ્વજનોને ટપાલથી વિસર્જનની જાણ કરાશે. અસ્થિના વિસર્જન અને નિભાવ માટે કોઇ ખર્ચ લેવામાં આવનાર નથી અને પ્રતિવર્ષ થનાર ખર્ચ માટે દાતાની વ્યવસ્થા કરાઇ છે.
પ્રથમ અસ્થિ વિસર્જન તા.17-01-23 ના રોજ કરવામાં આવનાર છે જેના દાતા ચેતનભાઇ ભીખાભાઇ પટેલ છે. અસ્થિ વિસર્જન વિધિ વિધાન સાથે કરવા માટે બ્રાહ્મણની પણ વ્યવસ્થા કરાશે. પંચાયત દ્વારા અસ્થિ બેંક અને ગંગાજીમાં અસ્થિ વિસર્જનનો ઠરાવ કરાતા પંચાયતમાં સમાવિષ્ટ મોટા કોટડા, વાંટડા, લાખેડા, ગોકુલપુરા અને જીતપુરમાં આનંદની લાગણી પેદા થઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.