સાબરકાંઠા લમ્પી વાયરસથી મુક્ત:જિલ્લાના આઠ તાલુકામાં ત્રણ મહિનામાં 642 ગામોમાં 8,251 પશુઓ અસરગ્રસ્ત; 126 પશુના મોત થયા

સાબરકાંઠા (હિંમતનગર)એક મહિનો પહેલા

સાબરકાંઠા જિલ્લામાં ઓગષ્ટથી ઓક્ટોમ્બર દરમિયાન ત્રણ મહિનામાં લમ્પી વાયરસથી 126 પશુઓના મોત નીપજ્યા હતા. જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા લમ્પી વાયરસથી બચાવવા માટે 4 લાખ 35 હજાર 360 પશુઓને રસી આપવામાં આવી હતી. 642 ગામોમાં 8,251 પશુઓ લમ્પી વાયરસથી અસરગ્રસ્ત થયા હતા, જેમાંથી 8,125 પશુઓ રીકવર થયા હતા.

ત્રણ મહિના જિલ્લામાં લમ્પી વાયરસની અસર વર્તાઈ
આ અંગેની મળતી વિગત મુજબ રાજ્યમાં લમ્પી વાયરસની એક પછી એક જિલ્લામાં શરૂઆત થઇ હતી. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ લમ્પી વાયરસની અસર 19 ઓગષ્ટ 2022થી થઇ હતી. જે ધીમે ધીમે જિલ્લાના આઠ તાલુકામાં લમ્પી વાયરસ પ્રસર્યો હતો. જેને લઈને જિલ્લા અને તાલુકા પશુપાલન વિભાગ દ્વારા પશુપાલકોને સુચન કરી પશુઓને અલગ રાખવાનું સુચન કરી અસરગ્રસ્ત પશુઓના સેમ્પલ લઈને તપાસ કરવાની શરુઆત કરી હતી. ત્યારબાદ અસરગ્રસ્ત પશુઓને રસી આપવાની શરુ કરવામાં આવી હતી. 19 ઓક્ટોમ્બર 2022ના રોજ સાબરકાંઠા જિલ્લો લમ્પી વાયરસ મુક્ત થયો હતો. આમ ત્રણ મહિના જિલ્લામાં લમ્પી વાયરસની અસર વર્તાઈ હતી.

ઇડર તાલુકામાં સૌથી વધુ ગાયોના મોત
લમ્પી વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત ગાયો ખેડબ્રહ્મા તાલુકામાં થઇ હતી, તો સૌથી ઓછી અસર તલોદ તાલુકામાં 390 ગાયોને થઇ હતી. તો સૌથી વધુ લમ્પી વાયરસથી ઇડર તાલુકામાં સૌથી વધુ 29 ગાયો અને તલોદ તાલુકામાં સૌથી ઓછી 3 ગાયોના મૃત્યુ નીપજ્યા હતા. સૌથી વધુ ઇડર તાલુકામાં સૌથી વધુ 1 લાખ 22 હજાર 600 અને પોશીના તાલુકામાં સૌથી ઓછી 23 હજાર 21 ગાયોને રસી આપવામાં આવી હતી.

ત્રણ મહિનામાં 642 ગામોમાં અસર
આ અંગે જિલ્લા પશુપાલન અધિકારી જનક પટેલે જણાવ્યું હતું કે, ત્રણ મહિના બાદ સાબરકાંઠા જિલ્લો લમ્પી વાયરસ મુક્ત થયો છે. લમ્પી વાયરસની અસર જિલ્લાના આઠ તાલુકામાં ત્રણ મહિનામાં 642 ગામોમાં 8,251 પશુઓને થઇ હતી. જેમાં 8,125 પશુઓ સારવાર અને રસી આપતા રીકવર થયા હતા. આ સાથે 126 પશુઓના મોત નીપજ્યા હતા અને 4 લાખ 35 હજાર 360 પશુઓને રસી આપવામાં આવી હતી. તો લમ્પી વાયરસની અસર ગાયોને થઇ હતી. જિલ્લામાં 6 લાખ 99 હજાર પશુઓ છે, જેમાં ગાય, ભેસ, ઘેટા, બકરા, ઘોડા અને ઊંટનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...