તપાસમાં કૌભાંડ ખૂલ્યું:ઇડરમાં સબસિડીના નામે 8.20 કરોડનું ટ્રેક્ટર લૉન કૌભાંડ

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • L&T ફાઇનાન્સ કંપનીએ 177 ટ્રેક્ટરની 8.20 કરોડ લોન આપી હતી, રજિસ્ટ્રેશન દસ્તાવેજો અને લોનના હપ્તા ન ભરતાં કંપનીની તપાસમાં કૌભાંડ ખૂલ્યું
  • હિંમતનગર ટ્રેક્ટર હાઉસના જવાબદાર અને ઈડર સબ ડિલર સહિત પાંચ વિરુદ્ધ ફરિયાદ,મોટાભાગના ટ્રેક્ટરનું રજિસ્ટ્રેશન થયું નથી ઉતારા બીજાના ટ્રેક્ટર અન્યને

ઓક્ટોબર 2020થી સબસિડીવાળી લોન તથા કોરોનાથી ગુજરી ગયેલ પરિવારજનો માટે સરકાર તરફથી અપાતી સહાયની રકમ અપાવવાની લાલચ આપી જરૂરી દસ્તાવેજો મેળવી ઘરના ફોટા પાડી ઈડરમાં મહિન્દ્રા ટ્રેક્ટરના સબ ડિલરને બધું સાહિત્ય આપી ઘણા બધા લોકોને ઈડર બોલાવી સબસિડીવાળી લોનની વાતચીત કરી ટ્રેક્ટર સાથે ફોટા પાડી કરોડો રૂપિયાની બોગસ લોનો મંજૂર કરાવી આચરેલ રૂ.8.20 કરોડની સંભવિત છેતરપિંડી અંગે હિંમતનગર ટ્રેક્ટર હાઉસના જવાબદાર વ્યક્તિ, ઈડરનો સબડિલર, ફાઇનાન્સ કંપનીનો ફિલ્ડ લેવલ ઓફિસર અને અન્ય બે શખ્સો વિરુદ્ધ ઈડર પોલીસે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા સાથે હિંમતનગરનું ટ્રેક્ટર હાઉસ ફરી એકવાર નવા વિવાદમાં સપડાયું છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગરમાં કાર્યરત એલ એન્ડ ટી સ્મોલ સ્કેલ ફાઇનાન્સ કંપનીમાં ફિલ્ડ લેવલ સેલ્સ ઓફિસર તરીકે તા.28-9-20ના રોજ નિમણૂંક પામેલ પાર્થ મહેશભાઈ ચૌધરી (રહે. મુનાઇ તા. ભિલોડા) ટ્રેક્ટર ખરીદવા લોન મેળવવા ઈચ્છતા ગ્રાહકોના અસલ દસ્તાવેજની ખરાઈ કરી દસ્તાવેજોની નકલ મેળવી ઘર જમીન તથા અન્ય મિલકતોની ચકાસણી કરવાની તથા તેમના ઘરના ફોટા પાડવા તેમના સીબીલ રિપોર્ટ કાઢવા વગેરેની જવાબદારી નિભાવતા હતા અને તેમની ફરજ દરમિયાન હિંમતનગરથી 177 ટ્રેક્ટરની લોન કરાવી હતી અને લોન મંજૂર થયા બાદ હિંમતનગર ટ્રેક્ટર હાઉસમાંથી ટ્રેક્ટરની ખરીદી કરાઇ હતી.

કંપનીના નિયમો મુજબ ટ્રેક્ટરની ડિલિવરી બાદ ટ્રેક્ટરની આરસી બુક ફાઇનાન્સ કંપનીમાં જમા ન થતા અને લોનના હપ્તાની ચુકવણી ન થતા કંપનીને શંકા ગઈ હતી જેને પગલે ગ્રાહકોએ લીધેલ વાહનોનું ઇન્સ્પેક્શન કરાવવા નોટિસ આપી વાહનો હાજર રાખવા જણાવ્યું હતું પરંતુ ટ્રેક્ટરનું ઇન્સ્પેકશન કરાવવા કોઈ ન આવતા શંકા પાકી થઈ હતી.

અને લોન ડોક્યુમેન્ટસને આધારે જાતે તપાસ કરતાં મોટા ભાગના ગ્રાહકોએ આવું કોઈ ટ્રેક્ટર લીધું ન હોવાની અને લોન પણ લીધી ન હોવાનું જણાવતાં એલ એન્ડ ટી ફાઇનાન્સ લિમિટેડમાં રીઝિયોનલ કલેક્શન મેનેજર તરીકે ફરજ બજાવતા ભુપેન્દ્રસિંહ જીવરામસિંહ રાજપૂતે પાર્થ મહેશભાઈ ચૌધરી (રહે. મુનાઈ તાલુકો ભિલોડા જિ.લ્લો અરવલ્લી) સંજય કાંતિભાઈ ચૌહાણ (રહે. કાવા તા. ઈડર) સુરેશ છનાજી પરમાર (રહે. સાચોદર તા.હિંમતનગર), હિંમતનગર ટ્રેક્ટર હાઉસના જવાબદાર વ્યક્તિ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના ઈડરના સબ ડિલર મનુકાકા નામના શખ્સ વિરુદ્ધ 177 ટ્રેક્ટરની કુલ 8,20,13,749ની લોન મંજૂર કરાવી આ ટ્રેક્ટર મૂળ માલિકોને નહીં આપી તથા આરટીઓ રજીસ્ટ્રેશન ન કરાવી તમામ ટ્રેક્ટરોનું બારોબાર વેચાણ કરી દઈ એલએન્ડટી ફાઇનાન્સ કંપનીના બનાવટી ફ્લોર ક્લોઝર લેટરો બનાવી છેતરપિંડી આચરી હોવા અંગે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે કાર્યવાહી કરી હતી.

આ પાંચ ઠગો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
1.પાર્થ મહેશભાઈ ચૌધરી (રહે. મુનાઈ તા. ભિલોડા જિ.લ્લો અરવલ્લી)
2.સંજય કાંતિભાઈ ચૌહાણ (રહે. કાવા તા. ઈડર)
3.સુરેશ છનાજી પરમાર (રહે. સાચોદર તા.હિંમતનગર),
4.હિંમતનગર ટ્રેક્ટર હાઉસના જવાબદાર વ્યક્તિ
5.મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના ઈડરના સબ ડિલર મનુભાઈ ચૌધરી

કોરોનાથી ગુજરી ગયેલ પરિવારજનો માટે સરકાર તરફથી અપાતી સહાયની રકમની પણ લાલચ આપી
ઓક્ટોબર 2020થી સબસિડીવાળી લોન તથા કોરોનાથી ગુજરી ગયેલ પરિવારજનો માટે સરકાર તરફથી અપાતી સહાયની રકમ અપાવવાની લાલચ આપી જરૂરી દસ્તાવેજો મેળવી ઘરના ફોટા પાડી ઈડરમાં મહિન્દ્રા ટ્રેક્ટરના સબ ડિલરને બધું સાહિત્ય આપી ઘણા બધા લોકોને ઈડર બોલાવી સબસિડીવાળી લોનની વાતચીત કરી ટ્રેક્ટર સાથે ફોટા પાડી કરોડો રૂપિયાની બોગસ લોનો મંજૂર કરાવી સમગ્ર કૌભાંડ આચરાયું હતું.

આવી રીતે આચરાયું સમગ્ર ટ્રેક્ટર કૌભાંડ...
બે શખ્સોના માધ્યમથી ગામેગામથી લોકોને સબસિડીવાળી લોન અને કોરોનાથી ગુજરી ગયેલ પરિજનો માટે સરકારમાંથી સહાયની રકમ અપાવવાની લાલચ આપી જરૂરી દસ્તાવેજ લઈ તેમના ઘરના ફોટા પાડી પાર્થ ચૌધરીને આપ્યા હતા. તેણે ઇડર બારેલા તળાવમાં આવેલ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટ્રેક્ટરના સબ ડિલર મનુભાઈ ચૌધરીને આપી બંને જણાએ આ દસ્તાવેજોની ઉપયોગ ટ્રેક્ટરની લોન કરાવવા ઘણા લોકોને બોલાવી ટ્રેકટર સાથે ફોટા પાડી તેમના નામે લોન કરાવી લીધી હતી. પરંતુ ટ્રેકટર અન્યને આપી દીધું હતું. જે બાબતે છેતરપિંડીનો ભોગ બનેલા 5 લોકોએ કંપનીને સોગંદનામું કરી આપ્યું હતું.

કૌભાંડ બહાર આવતા કંપનીના નામના બનાવટી ફ્લોર ક્લોઝર લેટર આપી દીધા
મોટાભાગના ટ્રેક્ટરના રજીસ્ટ્રેશન ન થયા હોવાનું અને ફ્રોડ થયાનું પ્રસ્થાપિત થઈ ગયા બાદ કંપનીએ કાર્યવાહી હાથ ધરતાં આક્ષેપિત શખ્સોએ ગ્રાહકોનો સંપર્ક કરી ચિંતા કરવાની જરૂર નથી અમે જોઈ લઈશું તેમ જણાવી કંપનીના નામના ખોટા ફ્લોર ક્લોઝર ઇન્ટીમેશન લેટર બનાવી આપી દીધા હતા આવા બે બનાવટી લેટર પુરાવા રૂપે પોલીસને સોંપવામાં આવ્યા છે.

હિંમતનગર ટ્રેક્ટર હાઉસમાંથી ખરીદી કરાઇ
હિંમતનગરથી 177 ટ્રેક્ટરની લોન કરાવી હતી અને લોન મંજૂર થયા બાદ હિંમતનગર ટ્રેક્ટર હાઉસમાંથી ટ્રેક્ટરની ખરીદી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...