એટ્રોસીટીની ફરિયાદ:ઇડરના રાવોલ ગામમાં દલિત યુવકના વરઘોડામાં પથ્થરમારામાં 8ની અટકાયત

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આખા ગામની લાઇટો બંધ કરી પથ્થરમારો કરાયો, 4 ઇજાગ્રસ્ત
  • અહીંથી વરઘોડો પાછો લઇ જાવ કહી અપશબ્દો બોલી જાતિ વિષયક અપમાનિત કર્યા, એટ્રોસીટીની ફરિયાદ નોંધાઇ

ઇડરના રાવોલમાં ગુરૂવારે સાંજે નીકળેલ દલિત યુવકના વરઘોડામાં લાઇટો બંધ કરી પથ્થરમારો કરવાના મામલે 4 લોકો ઘાયલ થતાં પોલીસે 8 શખ્સો વિરુદ્વ એટ્રોસીટી સહિતનો ગુનો નોંધી અટકાયત કરી હતી. ઘટનાને પગલે પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગત તા. 19-05-22 ના રોજ રાવોલમાં દલિત સમાજના વરઘોડા દરમિયાન પલિતો ચંપાયો હતો.

રોહિતકુમાર મહેન્દ્રભાઇ પરમારે ફરિયાદ નોંધાવી હતી કે મોડી સાંજે તેમના નાનાભાઇનો વરઘોડો રામદેવજી મહારાજના મંદિરે પહોંચતા મેઠાજી રવાજી ઠાકરડાએ તમારી જ્ઞાતિનો વરઘોડો આટલે સુધી આવે છે અને અહીંથી તમારો વરઘોડો પાછો લઇ જાવ કહી અપશબ્દો બોલી જાતિ વિષયક અપમાનિત કર્યા હતા.

ત્યારબાદ વરઘોડો બ્રાહ્મણ ફળીયાના નાકે પહોંચતા વિષ્ણુભાઇ ઉર્ફે વિષ્ણુપ્રસાદ સોમેશ્વર ત્રિવેદીનું સ્કૂટી રસ્તા વચ્ચે મૂકેલ હોઇ તેને બાજુમાં લેવાનુ કહેતા તેમણે પણ જાતિ વિષયક અપશબ્દો બોલ્યા હતા. દરમિયાનમાં અગમ્ય કારણોસર આખા ગામની લાઇટો બંધ થઇ જતાં અચાનક પથ્થર મારો શરૂ થયો હતો જેમાં દિપકકુમાર મહેન્દ્રભાઇ પરમાર, વિભાબેન કાંતિભાઇ પરમાર, સુપ્રિયાબેન ગણેશભાઇ પરમાર અને નરેશભાઇ અમૃતભાઇ પરમારને ઇજાઓ થઇ હતી. ઘટનાને પગલે પોલીસ કાફલો ખડકી દેવાયો હતો.

આમની સામે જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
જાદર પોલીસે મેઠાજી રવાજી ઠાકરડા, વિષ્ણુભાઇ ઉર્ફે વિષ્ણુપ્રસાદ સોમેશ્વર ત્રિવેદી, ભૂપતજી સેધાજી ઠાકોર રણજીતજી મણાજી ઠાકોર, રમેશજી બાબુજી ઠાકોર, કિશનજી વિનુજી ઠાકોર, મિત નીલકંઠભાઇ વ્યાસ અને અલ્કેશભાઇ કુટરમલ સોની વિરુદ્વ રાયોટિંગ, એટ્રોસીટી સહિતનો ગુનો નોંધી અટક કરી

અન્ય સમાચારો પણ છે...