ભાસ્કર વિશેષ:પ્રત્યેક ગામમાંથી 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે:રાજ્યપાલ

હિંમતનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું સંબોધન

મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હિંમતનગરમાં યોજાયેલ પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલનમાં ખેડૂતો સાથે સીધો સંવાદ કરી આહવાન કર્યું હતું કે પ્રત્યેક ગામમાંથી 75 ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવાના સંકલ્પ સાથેનું જન અભિયાન આજના સમયની માંગ છે.ખેડૂતો અને ખેતીને આત્મનિર્ભર બનાવવા પ્રાકૃતિક કૃષિ અપનાવવાની જરૂર એટલા માટે છે કે જળ જમીન અને પર્યાવરણની રક્ષા તેમજ સ્વાસ્થ્યપ્રદ આહાર માટે પ્રાકૃતિક ખેતી એકમાત્ર વિકલ્પ છે.

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિશે માહિતી આપતાં જણાવ્યું કે કાંકરેજ અને ગીર જેવી દેશી ગાયના એક ગ્રામ છાણમાં 3 કરોડ જેટલા સૂક્ષ્મ જીવો હોય છે. ગૌમૂત્ર ખનીજનો ભંડાર છે. દેશી ગાયના છાણ અને ગૌમુત્ર, દાળનું બેસન, ગોળ, માટીના પાણીમાં બનાવેલા મિશ્રણથી જીવામૃત તૈયાર કરાય છે. આ જ રીતે પાણીની ઓછી માત્રાથી ઘન જીવામૃત બનાવાય છે. જીવામૃત અને ઘનજીવામૃત એક કલ્ચર તરીકે કાર્ય કરે છે. જે પ્રાકૃતિક ખાતર તરીકે ઉપયોગ કરાય છે. એક દેશી ગાયની મદદથી 30 એકર જેટલી જમીનમાં પ્રાકૃતિક કૃષિ થઈ શકે છે.

આ પદ્ધતિમાં બીજના વાવેતર સમયે બીજને છાણ અને ગૌમૂત્રથી બનતા બીજામૃતથી સંસ્કારિત કરાય છે. જેનાથી બીજની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ઝડપથી અંકુરિત થાય છે. જીવામૃત-ઘન જીવામૃત પ્રાકૃતિક ખાતર તરીકે કાર્ય કરે છે. બીજના અંકુરણ બાદ જમીનને કૃષિ અવશેષોથી ઢાંકવામાં આવે છે.જેને મલ્ચીંગ કહેવાય છે. મલ્ચીંગથી જમીનનુ ઊંચા તાપમાન સામે રક્ષણ થાય છે. જમીનનો ઓર્ગેનિક કાર્બન હવામાં ઊડી જતો અટકે છે. જમીનમાં ભેજનું પ્રમાણ જળવાય છે.

જેથી આ પદ્ધતિમાં પાણીની 50 ટકા જેટલી બચત થાય છે. મલ્ચીંગને કારણે સુક્ષ્મજીવો અને મિત્ર જીવોને દિવસ દરમિયાન કાર્ય કરવાનું વાતાવરણ મળે છે. અન્ન નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, રાજ્યસભા સાંસદ રમિલાબેન બારા, હિંમતનગર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા અગ્રણી જે.ડી.પટેલ, સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી દિપેન શાહે આભાર દર્શન કર્યું હતું.

પ્રાકૃતિક ખેતીના ફાયદા, કૃષિ ખર્ચ નહિવત છે
જીવામૃત-ઘનજીવાઅમૃતથી આ સુક્ષ્મજીવો અને અળસિયા જેવા મિત્ર જીવો જમીનના ખનીજોને શોષી શકાય તેવા સરળ પદાર્થોમાં રૂપાંતર કરે છે. જેનું મૂળ દ્વારા સરળતાથી શોષણ થાય છે અને ઉત્પાદન વધે છે. અળસિયા જેવા મિત્ર જીવો જમીનને ફળદ્રુપ બનાવે છે. જમીનમાં અસંખ્ય છેદ બનાવી જમીનને નરમ બનાવે છે.

આ છેદથી જમીનમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે. વરસાદનું પાણી આ છિદ્રો દ્વારા જમીનમાં ઉતરે છે અને કુદરતી રીતે જળ સંચય થાય છે.પ્રાકૃતિક કૃષિથી જળ જમીન અને પર્યાવરણનું રક્ષણ થાય છે. સૂક્ષ્મ જીવો અને અળસિયા જેવા મિત્રજીવોની વૃદ્ધિ થવાથી જમીન ફળદ્રુપ બને છે. જમીનનો ઓર્ગેનિક કાર્બન વધે છે. નિંદામણની સમસ્યાનો હલ થાય છે. કૃષિ ખર્ચ નહિવત આવે છે અને ઉત્પાદન પણ પૂરતું મળે છે.

પ્રાકૃતિક કૃષિ અપનાવવી એ આજના સમયની માંગ
આઝાદી બાદ દેશની ખાદ્યાન્ન જરૂરિયાતને પૂરી કરવા હરિતક્રાંતિના માધ્યમથી રાસાયણિક કૃષિ અપનાવાઇ એ જે તે સમયની માંગ હતી. આજ રાસાયણિક કૃષિના પરિણામથી મુક્તિ મેળવવા પ્રાકૃતિક કૃષિ અપનાવવી એ આજના સમયની માંગ છે. રાજ્યમાં અઢી લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે. એ જ રીતે હિમાચલ પ્રદેશમાં બે લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે. જંગલમાં કોઈ રાસાયણિક ખાતર કે જંતુનાશકોના ઉપયોગ વિના વૃક્ષ વનસ્પતિનો પ્રાકૃતિક રીતે વિકાસ વૃદ્ધિ થાય છે. આજ રીતે પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરવી એ જ ખરી કૃષિ પદ્ધતિ છે.

અન્ય સમાચારો પણ છે...