વીજળી ત્રાટકતા વીજ લાઈનના 4 થાંભલાઓને નુકસાન:હિંમતનગરમાં 66 KWની વીજ લાઈન 10 કલાકની મહેનત બાદ સરખી થઈ, પ્રાંતિજમાં વીજળી પડતા ગાયનું ઘટનાસ્થળે જ મોત નીપજયું

સાબરકાંઠા (હિંમતનગર)14 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લાના છ તાલુકામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. ભારે વીજ કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જ્યારે હિંમતનગરમાં રાત્રીના સમયે વીજ કડાકાને લઈને 66 KW વીજ લાઈનના ચાર વીજપોલને નુકસાન થયું હતું. હિંમતનગરમાં વીજળી GETCOના વીજ સ્ટેશનથી બેરણાં થઈને હિંમતનગરના વિવિધ વિસ્તારોમાં અને બાદમાં મોતીપુરા વીજ સ્ટેશને પહોંચે છે. ત્યારે આ વીજ લાઈન પર શુક્રવારે રાત્રે 11 વાગ્યે અચાનક કડાકા સાથે વીજળી પડી હતી. જેને લઈને વીજ વાયર તૂટી ગયો હતો અને વીજ પ્રવાહ બંધ થઈ ગયો હતો. બેરણાંથી બ્રહ્માકુમારીઝ થઈને બેરણા રોડ પાર કરી મોતીપુરા તરફ જતા 66 KW વીજ વાયર પર આવેલ 34,35,36 અને 37 નંબરના પોલ પર વીજળી પડતા નુકસાન થયું હતું. 36 નંબરના પોલનો વાયર તૂટી ગયો હતો. બાકીના પોલ પર ડીશ ઇન્સ્યુલેટરને નુકસાન થયું હતું અને વીજ પ્રવાહ રાત્રે બંધ થયો હતો. થોડા સમય બાદ ઓલ્ટરનેટ લાઈન પર વીજ પ્રવાહ શરુ થયો હતો.

અગીયોલ GETCO કંપનીના એન્જિનિયર અને કર્મચારીઓ શનિવારે સવારે 5.30 વાગ્યેથી સમારકામ શરુ કર્યું હતું. પ્રથમ વીજળી પડતા તૂટી ગયેલ 66 KW વીજ તાર જોઈન્ટ કરવાની શરુઆત કરી હતી. તે પૂર્ણ કર્યા બાદ અન્ય પોલ પર કામગીરી શરુ કરવામાં આવી હતી અને સતત બપોરે 3 વાગ્યા સુધી એટલે કે 10 કલાક સુધી કામગીરી યથાવત હતી. આ અંગે ડેપ્યુટી એન્જિનિયર એસ.કે.પંચાલે જણાવ્યું હતું કે, કંપનીની ટીમ સાથે વહેલી સવારથી કામગીરી શરુ કરવામાં આવી હતી. બપોરે ત્રણ વાગ્યે આ કામગીરી પૂર્ણ થઈ હતી. વીજળી પડતા 66 KW વીજ લાઈનને નુકસાન થયું હતું.

પ્રાંતિજના અમીનપુર ગામે રહેતા મકવાણા મંગળસિંહના ઘર આગળ બાંધેલ ગાય ઉપર રાત્રી દરમિયાન વીજળી પડતા ગાયનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતુ. કમોસમી વરસાદ વરસતા ગાંભોઈથી ભિલોડા જવાના માર્ગ પર આવેલ રેલવે અન્ડર બ્રિજમાં પાણી ભરાઈ ગયું હતું. જેને કારણે વાહન ચાલકોને પરેશાની ભોગવવી પડી હતી. હિંમતનગરથી ગાંભોઈ તરફ જતા નેશનલ હાઇવે પર કરણપુર ઓવરબ્રિજના એક ભાગેથી પાણીના કારણે રોડનું ધોવાણ થયું હતું. જેને લઈને પુરણ કરેલ સહિત કપચી બાજુના રોડ પર ધસી પડી હતી. જેને લઈને વાહન ચાલકોને પરેશાની ભોગવવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...