સાબરકાંઠામાં ચૂંટણી ચિત્ર સ્પષ્ટ:4 વિધાનસભામાં 6 ઉમેદવારી પત્રો પાછા ખેંચાયા; પ્રાંતિજ વિધાનસભામાં ભાજપના ઉમેદવારે કર્યો અનોખો પ્રચાર

સાબરકાંઠા (હિંમતનગર)19 દિવસ પહેલા

સાબરકાંઠા જિલ્લામાં ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે સોમવારે 6 ઉમેદવારી ફોર્મ પાછા ખેંચાયા હતા. હવે હિંમતનગર બેઠક પર 8 ઉમેદવારો, ઇડર બેઠક પર 3 ઉમેદવારો, ખેડબ્રહ્મા બેઠક પર 10 ઉમેદવારો જ્યારે પ્રાંતિજ વિધાનસભા બેઠક પર 6 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. હિંમતનગર વિધાનસભા બેઠક પરથી અખીલ ભારતીય હિન્દુ મહાસભા પક્ષના ઉમેદવારે ભાજપના સમર્થનમાં ટેકો જાહેર કરીને ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધુ હતુ.

હિંમતનગર બેઠક પરથી 3 ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયા
હિંમતનગર વિધાનસભા બેઠકમાં ઉમેદવારી ફોર્મ ભરવાના પ્રથમ દિવસે કુલ 24 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેમાં ઉમેદવાર સાથે તેમના ટેકેદારોએ પણ ડમી ફોર્મ રજૂ કર્યા હતા. ફોર્મ ચકાસણી બાદ 2 ફોર્મ રદ થયા હતા. જ્યારે સોમવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના દિવસે હિંમતનગર વિધાનસભા બેઠક પરથી 3 ઉમેદવારી ફોર્મ પરત ખેંચાતા હવે કુલ 8 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.

પ્રાંતિજ બેઠક પર 2 ફોર્મ પરત ખેંચ્યા
પ્રાંતિજ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરવાના પ્રથમ દિવસે કુલ 12 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જ્યારે 4 ઉમેદવારી ફોર્મ રદ થયા હતા. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે અપક્ષ ઉમેદવાર પરેશકુમાર પ્રવિણચંદ્ર જોષી તથા આમ આદમી પાર્ટીના ડમી ઉમેદવાર ધર્મેન્દ્રકુમાર અમૃતભાઇ પટેલે પોતાના ઉમેદવારી ફોર્મ પાછાં ખેંચ્યા હતા.

ઇડર બેઠક પર ત્રિપાંખીયો જંગ જામશે
ઇડર વિધાનસભા બેઠક પરથી કુલ 6 ઉમેદવારી ફોર્મ રજૂ થયા હતા. જોકે ઇડર વિધાનસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સિવાય અન્ય કોઇ ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભર્યુ ન હતુ. સોમવારે ઉમેદવારી ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયુ છે.

ખેડબ્રહ્મા બેઠક પર 1 ઉમેદવારી ફોર્મ પાછું ખેંચાયુ
ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પર કુલ 16 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેમાંથી 2 ઉમેદવારી ફોર્મ રદ થયા હતા. જ્યારે સોમવારે 1 ઉમેદવારી ફોર્મ પાછું ખેંચાયુ હતુ.
હિંમતનગર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર વી.ડી. ઝાલાના સમર્થનમાં અખીલ ભારતીય હિન્દુ મહાસભા પક્ષના ઉમેદવાર જીગર નિરંજનભાઇ મુથ્થાએ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લીધુ હતુ અને 500થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી. આ અંગે વધુમાં જીગર નિરંજનભાઇ મુથ્થાએ જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યો અને સુરક્ષાને લઇ ભાજપને ટેકો જાહેર કર્યો છે. હિંમતનગર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપનો પ્રચાર કરવામાં આવશે તેમ વધુમાં જણાવ્યુ હતુ.

ગજેન્દ્રસિંહ પરમાર ટ્રેક્ટર ચલાવતા વાયરલ થયા
તલોદ તાલુકાના માતેશરી ગામમાં પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમાર ટ્રેક્ટર ચલાવી કાર્યકર્તાઓ સાથે પ્રચાર કરતા ભાજપના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારને ટ્રેક્ટર ચલાવતા જોઈ લોકોએ મોબાઈલમાં વીડિયો લઈ વાયરલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...