આજે પોષી પૂનમ એટલે અંબે માતાજીનો પ્રાગટ્ય દિવસ અને આ દિવસને શાકંભરી પૂનમ પણ કહેવામાં આવે છે. જેને લઈને સાબરકાંઠા જીલ્લાનાના ખેડબ્રહ્મામાં અંબિકા માતાજીના મંદિરને રોશનીથી અને ફૂલોથી શણગારવામાં આવ્યા છે. કમળ પર સવાર માતાજીને 56 ભોગનો ભવ્ય અન્નકૂટ ભરવામાં આવ્યો છે. માવાની કેક પણ ભક્તો દ્વારા કાપવામાં આવી હતી.
મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીને ધજા અર્પણ કરાઈ
ખેડબ્રહ્માના અંબિકા માતાજીના મંદિરમાં માતાજીને વિવિધ સુંગધીદાર ફૂલોથી શણગારવા આવ્યા છે. મંદિરના ગર્ભગૃહને પણ શણગારવામાં આવ્યો છે. તો મંદિરના ચાચરચોકને ફુગ્ગા અને ફૂલોથી શણગારવામાં આવ્યો છે. મંદિરના શિખરને રોશનીથી શણગારવામાં આવ્યો છે. પોષી પૂનમને લઈને દુર દુરથી પદયાત્રીઓ સંઘો સાથે મંદિરે સવારે આવી પહોંચ્યા હતા અને મંગળા આરતી બાદ પરંપરા મુજબ માતાજીના મંદિરની પ્રદક્ષિણા કરી હતી. બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે શિખર પર ધજા અર્પણ કરવામાં આવી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ માતાજીને ધજા અર્પણ કરાઈ હતી.
ઘરે ઘરે દીવાઓથી દિવાળી જેવો માહોલ જોવા મળશે
કમળ પર સવાર માતાજીની મંગળા આરતી બાદ ભવ્ય 56 ભોગનો ભવ્ય અન્નકૂટ ભરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભક્તો અને યુવક મંડળ દ્વારા સવારે માવાની 25 કિલોની કેક કાપવામાં આવી હતી. રાત્રે આરતી બાદ 21 કિલોની માવાની કેક કાપવામાં આવશે. રાત્રે 7 વાગે માતાજીના પ્રાગટ્ય દિવસને લઈને ખેડબ્રહ્મામાં ઘરે ઘરે દીવાઓ થશે જેને લઈને દિવાળી જેવો માહોલ જોવા મળશે. તો ભક્તો પણ પોતાના ઘરે સાંજે 7 વાગે દીવાઓ કરશે.
દર્શનાર્થીઓ રોકાઈ શકે તેની વ્યવસ્થા
ખેડબ્રહ્મામાં આવેલા અંબિકા માતાજી ટ્રસ્ટ સંચાલિત માઁ ભવાની યાત્રિક નિવાસમાં નવીન 30 રૂમો બનાવ્યા છે જેનો પ્રારંભ કરવામાં આવ્યું છે. 100 રૂમ હતી તેમાં વધુ ૩૦ રૂમનો વધારો થયો છે. આમ, ત્રણ માળનું લીફ્ટની સગવડ સાથેનું યાત્રિક ભવનમાં સગવડમાં વધારો થયો છે. યાત્રિકો માટે એસી અને નોનએસી રૂમો બનાવવામાં આવી છે. જેને લઈને ભક્તો અને દર્શનાર્થીઓ રોકાઈ શકે તેની વ્યવસ્થા કરવામાં આવી છે.
માતાજીના દર્શન માટે ભક્તોની ભીડ જામી
આ અંગે અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટ પ્રમુખ જયદીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, પોષી પૂનમને લઈને આજે વહેલી સવારથી દુરદુરથી પદયાત્રીઓ સાથેના અંદાજે ૫૦ સંઘો આવ્યા હતા. તેમને માતાજીને ધજા અર્પણ કરી હતી. તો મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ધજા અર્પણ કરવામાં આવી હતી. સવારે માતાજીને યુવક મંડળ દ્વારા પ્રાગટ્ય દિવસને લઈને માવાની કેક કાપી હતી, રાત્રે પણ કેક કાપવામાં આવશે. વહેલી સવારથી કમળ પર સવાર માતાજીના દર્શન માટે ભક્તોની ભીડ જામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.