રાહત:હાથમતી ડેમમાંથી શિયાળુ ખેતી માટે 5 પાણી અપાશે

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાથમતી જળાશયમાં હાલમાં 100 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે: સિંચાઇ વિભાગ
  • 17 નવેમ્બરથી હાથમતી કેનાલમાં કુલ 300 ક્યૂસેક પાણી ત્રણ ઝોનમાં અપાશે

હિંમતનગર તાલુકાના હાથમતી જળાશયમાં ચાલુ વર્ષે પાણીની ચિક્કાર આવક થતાં 100 ટકા જથ્થો ઉપલબ્ધ છે. જેને પગલે શિયાળુ વાવેતર માટે 5 પાણી આપવામાં આવનાર છે અને ત્યારબાદ પીવાનુ પાણી ઉપલબ્ધ રહેવા સહિત ઉનાળુ વાવેતર માટે પણ હાથમતી જળાશયમાંથી સિંચાઇ માટે પાણી મળી રહેનાર છે. 17 નવેમ્બર થી ત્રણ ઝોનમાં કુલ 300 ક્યૂસેક પાણી છોડાતા અંદાજે 13 હજાર હેક્ટરથી વધુ ઘઉં, ચણા, બટાટા સહિતના વાવેતર વિસ્તાર માટે રાહતરૂપ બની રહેનાર છે.

ચાલુ વર્ષે ભરપૂર વરસાદને કારણે જિલ્લાના જળાશયોમાં પાણીની ચિક્કાર આવક થઇ છે. હાથમતી જળાશયમાં 100 ટકા જથ્થો ઉપલબ્ધ છે હાથમતી જળાશય પર નિર્ભર 32 થી વધુ ગામને પીવાના પાણી માટે પણ કોઈ સમસ્યા રહેનાર નથી. સામાન્ય રીતે શિયાળુ વાવેતર માટે પાંચ પાણીની જરૂરિયાત રહે છે. ભરપૂર વરસાદને કારણે શિયાળુ ખેતીમાં સિંચાઇની સમસ્યા સર્જાવાની કોઈ સંભાવના ન હોઈ વાવેતર વિસ્તારમાં વધારો થવાના એંધાણ મળી રહ્યા છે. સિંચાઇ વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર હાથમતી જળાશયમાંથી શિયાળુ વાવેતર માટે પાંચ પાણી છોડવામાં આવનાર છે.

સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર ડી.કે.પટેલે જણાવ્યુ કે હાલમાં હાથમતી જળાશયમાં 100 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે 32 થી વધુ ગામના પીવાના પાણીની જરૂરિયાતની ગણતરી કરી બાકી વધતા પાણીથી શિયાળુ વાવેતર માટે ખેડૂતોની માંગણી મુજબ 17 નવેમ્બર થી પાણી આપવામાં આપવાનો નિર્ણય લેવાયો છે અને હાલમાં 160 ક્યૂસેક પાણી હાથમતી નદીમાં વહી રહ્યું છે ઉનાળુ વાવેતર માટે સિંચાઇનુ પાણી ઉપલબ્ધ રહેનાર નથી. તેમણે ઉમેર્યું કે અગાઉ પ્રાંતિજની બોખ, લીમલા વગેરે ભરવા પાણી છોડવામાં આવ્યુ હતું.

હિંમતનગર, પ્રાંતિજ, દહેગામ અને ગાંધીનગરના 58 થી 72 ગામની 13 હજાર હેક્ટરથી જમીનને પાંચ પિયતનો લાભ મળનાર છે. ઇરીગેશન નેટવર્કમાં અ-ઝોનમાં 23 ગામની પાંચ હજાર હેક્ટર જમીન અને બ તથા ક ઝોનમાં 35 ગામની 8000 હેક્ટર જમીનને પિયતનો લાભ મળી રહેનાર છે અ-ઝોનમાં 100 ક્યૂસેક અને બ તથા ક ઝોનમાં 200 ક્યૂસેક મળી કુલ ત્રણ ઝોનમાં પાંચ તબક્કામાં 15-15 દિવસ માટે કુલ 300 ક્યુસેક પાણી છોડાશે.

અન્ય સમાચારો પણ છે...