પાકીટ ચોરોનો આતંક:હિંમતનગર ડેપોમાં વધુ 5 મુસાફરોના ખિસ્સાં કપાયાં, રોજ આઠ 8થી 10 મુસાફરોના ખિસ્સા કપાયા છે

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પૈસાની ઉઠાંતરી થયાની પોલીસને જાણ કરાયા બાદ ફૂટેજની ચકાસણી થઇ રહી હતી. તે દરમિયાન જ એક વ્યક્તિના ખિસ્સામાં રૂ.4 હજાર સેરવી ગઠીયો પલાયન થઇ ગયાની બૂમ પડી હતી. - Divya Bhaskar
પૈસાની ઉઠાંતરી થયાની પોલીસને જાણ કરાયા બાદ ફૂટેજની ચકાસણી થઇ રહી હતી. તે દરમિયાન જ એક વ્યક્તિના ખિસ્સામાં રૂ.4 હજાર સેરવી ગઠીયો પલાયન થઇ ગયાની બૂમ પડી હતી.
  • ડેપો દ્વારા પોઇન્ટ મૂકવા રજૂઆતો છતાં પોલીસના પેટનું પાણી હાલતું નથી
  • કાયમી પોઇન્ટ માટે ઉચ્ચ કક્ષાએથી માર્ગદર્શન મેળવવા તજવીજ હાથ ધરાઇ છે. અર્જુન જોષી (પીએસઆઇ બી ડિવિઝન પોલીસ મથક)
  • એસટી ડેપોમાં ચોરીના ફૂટેજ ચેક કરતાં સમયે જ ગઠીયો મુસાફરના રૂ. 4 હજાર સેરવી ગયો

દૈનિક 15 હજારથી વધુની અવરજવર ધરાવતા હિંમતનગર એસટી બસ સ્ટેન્ડમાં મુસાફરોના ખિસ્સા સલામત નથી. પ્રતિદિન આઠ થી દસ વ્યક્તિઓના ખિસ્સામાંથી પૈસા સેરવી પોકેટમારો પલાયન થઇ જાય છે એસટી પ્રશાસન દ્વારા કાયમી પોલીસ પોઇન્ટ મૂકવા માંગ કરાયા છતાં પોલસકર્મીની ગેરહાજરીને કારણે પોકેટમારોને છૂટો દોર મળી ગયો છે.

એસટી ડેપોની ઘટનાની જાણ થઇ છે. તપાસ હાથ ધરાઇ છે અને શંકાસ્પદોની પૂછપરછ કરાઇ રહી છે. કાયમી પોઇન્ટ માટે ઉચ્ચ કક્ષાએથી માર્ગદર્શન મેળવવા તજવીજ હાથ ધરાઇ છે. અર્જુન જોષી (પીએસઆઇ બી ડિવિઝન પો.સ્ટે.)એ કહ્યું હતું.

હિંમતનગર બસ ડેપોમાં પોલીસની ગેરહાજરીને પગલે પોકેટમાર ઉઠાવગીરોને મોકળુ મેદાન મળી ગયુ છે. દૈનિક 15 હજારથી વધુ મુસાફરોની અવરજવર વાળા હિંમતનગર બસ ડેપોમાં ચઢતા - ઉતરતા ખિસ્સા હળવા થવાની ઘટનાઓ સામાન્ય બની ગઇ છે બસમાં ચઢીને ગયેલ મુસાફરોને ખિસ્સુ કપાયાની જાણ થતા પરત આવતો નથી અને ડેપો ખાતે બૂમ પાડનાર મુસાફરને તપાસનો ન્યાય મળતો નથી.

સોમવારે ભિલોડા મુખ્ય બજારમાં દુકાન ધરાવતા છત્રારામ બાબુલાલજી ચૌધરી ખરીદી માટે અમદાવાદ જવા નીકળ્યા હતા તેમના રૂ.70 હજાર, વાંકાનેરના ભૂમિકાબેન ડામોરના પર્સમાંથી રૂ.2 હજાર અને ઓરીજનલ ડોક્યુમેન્ટ, અન્ય એક મુસાફરના ખિસ્સામાંથી રૂ.13 હજારની તડફંચી થતા એસટી પ્રશાસનનું ધ્યાન દોરાયા બાદ પોલીસને જાણ કરાઇ હતી અને પોલીસ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરી રહી હતી એટલામાં દરજીભાઇ નામના મુસાફરના ખિસ્સામાંથી રૂ.4 હજાર જતા રહ્યાની બૂમ પડી હતી.

હિંમતનગર બસ સ્ટેન્ડ પોકેટમારો માટે અભયારણ્ય બની ચૂક્યુ છે. એસટી સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર ચાર - પાંચ શખ્સોને રંગે હાથ પકડી 100 નંબર ડાયલ કરી પોલીસને સોંપવામાં આવ્યા છે પરંતુ પોકેટ મારીના દૂષણનું કોઇ નિરાકરણ આવ્યુ નથી.

હિંમતનગર વિભાગીય પરીવહન અધિકારી દ્વારા માર્ચ માસમાં હિંમતનગર ડીવાયએસપીને લેખિત જાણ કરાઇ હતી કે હિંમતનગર બસ ડેપોમાં મુસાફરોના ખિસ્સા કપાવા, મોબાઇલ ચોરી, બસમાંથી બેગ થેલાની ચોરી, ગળામાં પહેરેલ ચેનની ચોરી જેવા બનાવો વધી રહ્યા છે અને આવા ચાર લોકોને પકડીને પોલીસને સોંપ્યા છે અગાઉ પોલીસકર્મી રાઉન્ડ ધી ક્લોક હાજર રહેતા આવા બનાવો નિયંત્રણમાં હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી પોલીસની વ્યવસ્થા ન હોવાથી આવા ચોરોને મોકળુ મેદાન મળી ગયુ છે અને મુસાફરો લૂંટાઇ રહ્યા છે પોલીસ દ્વારા કોઇ પગલા ન લેવાતા સ્થિતિ વણસી છે.

હિંમતનગર ડીવાયએસપીએ તા.05/04/22ના રોજ આ મામલે શુ પગલા લીધા તેનો અહેવાલ માંગી સંતોષ માની લીધો હતો પરંતુ પોલીસકર્મીની ડેપો ખાતે નિમણૂંક થઇ ન હતી.

બસ સ્ટેન્ડમાં 23 પ્લેટફોર્મ 10 કેમેરા
હિંમતનગર એસટી ડેપોમાં 23 પ્લેટફોર્મ છે અને 10 કેમેરા લગાવેલા છે કેમેરા ગુનો બન્યા પછી તપાસમાં કામ આવે છે એસટીને પણ હાઇ રીઝોલ્યુશન કેમેરા લગાવવાની જરૂર છે હાલમાં લાગેલ કેમેરાના વિઝ્યુઅલ અને ક્ષમતા પર્યાપ્ત જણાતા નથી એસ ટી ડેપોને પણ નેત્રમ પ્રોજેક્ટ સાથે કનેક્ટ કરી દેવાય તો સમસ્યાનો હલ ઝડપથી મળી જશે.

ખિસ્સા કાતરૂથી સાવધાનનું એનાઉન્સમેન્ટ થાય છે
હિંમતનગર એસટી ડેપો દ્વારા મળતી માહીતી અનુસાર ઉઠાંતરી, પોકેટ મારીના બનાવો વધતા અને પોલીસની કાયમી નીમણુંક ન થતા દર દસ મિનિટે ખિસ્સા કાતરૂ, અસામાજીક તત્વોથી સાવધાનનું એનાઉન્સ મેન્ટ કરી મુસાફરોને ચેતવણી પણ અપાય છે. પણ એસટી ડેપોમાં ફરતાં ગઠીયાઓ તેમની કળા કરી જાય છે.

અન્ય સમાચારો પણ છે...