હિંમતનગર - ખેડબ્રહ્મા ગેજ પરિવર્તન પ્રોજેક્ટ બજેટરી સપોર્ટ - નાણાંના અભાવે ટલ્લે ચઢ્યા બાદ જિલ્લાના બંને સાંસદોએ કરેલી રજૂઆતો રંગ લાવતા બ્રોડગેજ કન્વર્ઝન વીથ ઇલેક્ટ્રીફિકેશન માટે રૂ.482.42 કરોડના ફંડની ફાળવણી કરતાં સાડા પાંચ વર્ષથી ખોરંભે પડેલ રેલ્વે પ્રોજેક્ટ પાટે ચઢ્યો છે અને આગામી ત્રણથી ચાર વર્ષમાં હિંમતનગર - ખેડબ્રહ્મા ઇલેક્ટ્રીક ટ્રેન દોડતી થઇ જશે તેવું રેલ્વે સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. હિંમતનગર - ખેડબ્રહ્મા રેલ પ્રોજેક્ટ શરૂ થવાના સમાચારને પગલે પંથકમાં આનંદની લાગણી ફેલાઇ છે.
31 ડિસેમ્બર 2016 થી હિંમતનગર - ખેડબ્રહ્મા રેલ સેવા બંધ કરી ગેજપરિવર્તન માટે પાટા ઉખાડવાનું શરૂ કરાયું હતુ. પરંતુ ત્યારબાદ કોઇ પ્રગતિ જોવા મળી ન હતી. વર્ષ 2018-19 માં રૂ.354 કરોડનું ફંડ ફાળવાયુ હતું. પરંતુ સ્થાનિક નેતાગીરી વામણી પૂરવાર થતા રેલ તંત્રની ઊંઘ ઉડાડવામાં સફળ ન રહેતા કામગીરી જ શરૂ થઇ શકી ન હતી અને આ પ્રોજેક્ટ માટે ફાળવેલ ફંડ પરત ન જતું રહે તે માટે રેલ્વેએ ફંડને બીજે ડાયવર્ટ કરી દીધુ હતું. રેલ સેવા બંધ કર્યો વર્ષો વિતી જતા જિલ્લાજનોએ આવેદનપત્રો અને રજૂઆતોનો દોર શરૂ કર્યો હતો.
જિલ્લાના બંને સાંસદ દીપસિંહ રાઠોડ અને રમીલાબેન બારાએ રેલ મંત્રાલય સહિત હિંમતનગર - ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલ્વે પ્રોજેક્ટ માટે નાણાં ફાળવવા સતત રજૂઆતો કર્યા બાદ તાજેતરમાં રૂ.482.42 કરોડની ફાળવણી કરાઇ છે.
રેલ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આગામી 6 મહિનામાં ટેન્ડરીંગ, નેગોશીએશન, વર્ક ઓર્ડર આપવાની પ્રક્રિયા આટોપી લેવાશે. હિંમતનગર - ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલ્વે લાઇન પર 9 મોટા બ્રિજ, 43 નાના બ્રિજ સહિત મહાદેવપુરા, જાદર, સુરરોડ, ઇડર, કડીયાદરા, વડાલી અને ખેડબ્રહ્મા ખાતે નવીન રેલ્વે સ્ટેશન બનાવવા અને ઇલેક્ટ્રીફીકેશન માટે પોલ ઉભા કરવા સહિતની કામગીરીમાં 3 થી 4 વર્ષ જેટલો સમય લાગી શકે તેમ છે.
પાટા ઉખાડતાં રેલવેની જમીનમાં ધાર્મિક સ્થળ બની ગયું
હિંમતનગરને અડીને આવેલ ધાણધા ફાટક નજીક ગેજપરિવર્તન પ્રોજેક્ટને પગલે પાટા ઉખાડી લેવાયા બાદ ધણી ધોરી વગરના બની ગયેલ રેલવેની માલિકીની જમીનમાં એક ધાર્મિક સ્થળ વિકસિત કરી દેવાયુ છે અને દબાણ અંગે રેલ્વે પોલીસ કે રેલ્વે આઇબીને જાણ જ નથી. રેલ્વેના પીડબલ્યુઆઇના સિનિયર સેક્શન એન્જીનિયર મહાદેવ પ્રસાદ સ્વર્ણકારે જણાવ્યું કે નોટિસ આપવામાં આવી છે અને કામગીરી શરૂ થતા સુધીમાં દબાણ દૂર કરાશે.
આ કારણે રેલવે પ્રોજેક્ટ ખોરંભે પડ્યો હતો
હિંમતનગર ખેડબ્રહ્મા બ્રોડગેજ પ્રોજેક્ટ માટે વર્ષ 2018 માં 354 કરોડનુ ફંડ ફાળવાયા બાદ રેલ્વેએ આ પ્રોજેક્ટ ઉપર જાણી જોઇને કામ જ શરૂ કર્યું ન હતું. ઘણા બધા પ્રોજેક્ટ એક સાથે શરૂ થયા હોઇ રેલ્વે તંત્ર પહોંચી ન વળતા જે વિસ્તારમાં રાજકીય પ્રભાવ વધુ હોય ત્યાં વધુ મહત્વ અપાય છે જે તે સમયે કોડીનાર પ્રોજેક્ટને વધુ મહત્વ અપાતા હિંમતનગર - ખેડબ્રહ્મા પ્રોજેક્ટ ખોરંભે પડ્યો હતો.
ખેડબ્રહ્મા-અંબાજી રેલવે પ્રોજેક્ટ અભરાઇએ
ખેડબ્રહ્માથી અંબાજી રેલ્વે પ્રોજેક્ટને મંજૂરી મળ્યા બાદ રાજકીય ઇચ્છાશક્તિના અભાવે રેલ્વે એ આ પ્રોજેક્ટ પર કામ કરવાની દરકાર સુધ્ધા કરી નથી હવે ફંડ ફાળવાશે તો પણ મુસાફરોને મળવા પાત્ર સુવિધાઓનો પણ છેદ ઉડી જશે.એકંદરે હાલમાં આ પ્રોજેક્ટ અભરાઇએ ચઢાવી દેવાયો છે.
હિંમતનગર - ખેડબ્રહ્મા ક્યાં કેટલા ફાળવાયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.