સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ:હિંમતનગરમાં સમી સાંજે 45 મિનિટ ધોધમાર વરસાદ વરસ્યો; ચારે તરફ પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા

સાબરકાંઠા (હિંમતનગર)15 દિવસ પહેલા
  • કૉપી લિંક

કમોસમી વરસાદની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં શનિવારે સાંજે અચાનક વાતવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ વિજયનગર, ઇડર અને હિંમતનગરમાં વરસાદ નોંધાયો હતો. હિંમતનગરના કેટલાક આસપાસના ગામોમાં બરફના કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.

હિંમતનગરમાં શનિવારે સાંજે અચાનક ગાજવીજ બાદ વરસાદ શરૂ થયો હતો. એકધારો વીજળીના ચમકારા સાથે કમોસમી વરસાદે ધબધબાટી બોલાવી હતી અને 45 મિનિટ એકધારો વરસાદ વરસ્યો હતો. જેને લઈને હિંમતનગર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઈ ગયા હતા. જેને લઈને વાહન ચાલકોને ભારે પરેશાની ભોગવવી પડી હતી. જિલ્લામાં 3 મીમીથી 47 મીમી વરસાદ 24 કલાકમાં નોધાયો હતો. જેમાં હિંમતનગરમાં પોણા બે ઇંચ, ઇડર-વિજયનગર પોણો-પોણો ઇંચ, તલોદમાં અડધો ઇંચ, પ્રાંતિજ-પોશીના-વડાલીમાં પા-પા ઇંચ કમોસમી વરસાદ નોધાયો હતો. જિલ્લાના ઇડરમાં 20 મીમી, ખેડબ્રહ્મામાં 3 મીમી, તલોદમાં 13 મીમી,પ્રાંતિજમાં 5 મીમી, પોશીનામાં 3 મીમી, વડાલીમાં 8 મીમી, વિજયનગરમાં 19 મીમી અને હિંમતનગરમાં 47 મીમી વરસાદ નોધાયો હતો.

હિંમતનગરમાં 45 મિનિટ વરસેલા વરસાદને લઈને જાણે કે ફાગણમાં ચોમાસાનો માહોલ સર્જાયો હતો. તો ઓફિસથી ઘરે જતા સમયે લોકો વાહનો સાથે પાણીમાં ફસાયેલા જોવા મળ્યા હતા. વરસાદ વચ્ચે કડાકા બાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઈ હતી. હિંમતનગરના ટાવર ચોક, નગરપાલિકા રોડ, મહાવીરનગર, છાપરીયા, ગોકુલનગર, બેરણા રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વીજળીના કડાકા સાથે કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. હિંમતનગરના બળવંતપુરા, બલોચપુર સહિતના પંથકમાં કરા પડ્યા હતા.

ઈડરના રુવચ, ખેડ ચાંદરણી, ગોકલપુરા, સાબલી, ઝૂંપ વાસણા, રામપુર, જાંબુડી સહિતમાં વિસ્તારોમાં ભારે પવન સાથે કમોમસી વરસાદ વરસ્યો હતો. તો વિજયનગરના કોડીયાવાડા, દૃઢવાવ, બાલેટા, ચિતરિયા, ચિઠોડા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...