સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલી ડીસન્ટ કિડ્સ સ્કૂલનો 17મો રમતોત્સવ અને પતંગોત્સવ યોજાયો હતો. જેમાં વિધાર્થીઓએ માતા-પિતાની આરતી બાદ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિએ સંસ્કૃતમાં ભાવવંદના કરી હતી. તો 404 વિધાર્થીઓએ 48 રમતોમાં ભાગ લીધો હતો.
હિંમતનગર તાલુકાના પૂર્વ પ્રાથમિક શિક્ષણાધિકારી સુરેશ પટેલ, હિંમતનગર તાલુકા પંચાયતના સદસ્ય ભૂમિકાબેન પટેલના અધ્યક્ષસ્થાને 17મો રમતોત્સવ અને પતંગોત્સવ યોજાયો હતો. રમતોત્સવની શરૂઆત કેજીથી ધોરણ 10 સુધીના 404 વિધાર્થીઓએ માર્ચ પાસ્ટ કરી હતી. ત્યારબાદ વિધાર્થીઓએ માતા-પિતાની આરતી કરી હતી. આ સાથે ગીતાને વિશ્વમાં શ્રેષ્ઠ સ્થાન અપાવનાર સ્વામી વિવેકાનંદના 160મી જન્મ જયંતિએ 300 વિધાર્થીઓએ 12માં અધ્યાયનો ભક્તિયોગ સંસ્કૃતમાં મોઢે બોલી ભાવવંદના કરી હતી. વિદ્યાર્થીઓએ સંસ્થાનું વંદન ગીત બાદ સ્વાગત ગીત થકી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ 250 વિધાર્થીઓ શિવાજીના ગીત સાથે ડ્રીલ કરી હતી અને સંસ્થાના 600 ફુગ્ગાઓ આકાશમાં ઉડાડ્યા હતા.
સ્કુલના 100 વિધાર્થીઓ પ્રમાણે પાર્થ, પરાશર, પુંડરીક અને પરશુરામ એમ ચાર ટીમો બનાવવામાં આવી હતી. આ ચાર ટીમના ખેલાડીઓ વચ્ચે 48 રમતો જેમાં ક્રિકેટ, કબ્બડી, વોલબોલ, ખો-ખો, સાતોલીયું, દોડ, ચેસ, કેરમ, બામ્બુ રેસ, એટલેટીક્સ જેવી રમતો રમાઈ હતી. જેમાં પાર્થ ટીમ વિજેતા બની હતી અને તેમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. તો 50 વાલીઓ વચ્ચે સંગીત ખુરશી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વિજેતા વાલીઓને સંસ્થા તરફથી ઇનામ આપવામાં આવ્યું હતું. તો રમતોત્સવ પૂર્ણ થયા બાદ પતંગોત્સવ યોજાયો હતો, જેમાં વાલીઓ, વિધાર્થીઓ, શિક્ષકોએ અને સંસ્થાના સંચાલકોએ પતંગ આકાશમાં ઉડાડ્યા હતા.
આ 17માં રમતોત્સવ અને પતંગોત્સવને સંસ્થાના સંચાલક રમેશ પટેલ, પ્રાથમિક વિભાગના આચાર્ય વર્ષાબેન પટેલ અને માધ્યમિક વિભાગના આચાર્ય અશોકસિંહ ચંપાવત સહિત સ્ટાફની સફળતાની જહેમતને વાલીઓએ બિરદાવી હતી.
તલોદની ટ્રિનિટી સ્કૂલમાં સ્વામી વિવેકાનંદની જન્મ જ્યંતિની ઉજવણી તલોદમાં આવેલી ટ્રિનિટી સ્કૂલમાં સ્વામી વિવેકાનંદની જન્મ જ્યંતિ પર રમતોત્સવનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં 400થી પણ વધારે બાળકોએ 100, 200 મીટર દોડ, રીલે દોડ, ગોળા ફેંક, ચક્ર ફેંક, ડીક્ષનરી ગેમ, ચેસ, કેરમ વગેરે રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબરે આવનાર વિદ્યાર્થીઓને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રમતોત્સવ નિહાળવા મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના ટ્રસ્ટ્રી ડો.વસંતભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. રમતોત્સવને સફળ બનાવવા બદલ શાળાના ટ્રસ્ટ્રીઓએ આચાર્ય તથા સ્ટાફમિત્રોનો આભાર માન્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.