ભાસ્કર વિશેષ:હિંમતનગર તાલુકાની 4 પ્રાથમિક શાળાઓની સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત પસંદગી કરાઇ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાથમિક શાળાઅોનો વિકાસ કરવા ~5.62 કરોડ મંજૂર કરાયાં

સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા સહિત ભૌતિક સુવિધાઓ વધારી કેટલીક શાળાઓને મોડલ તરીકે પસંદ કરી તેને વિકસિત કરવા રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવાયેલ સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત હિંમતનગર તાલુકાની 4 પ્રાથમિક શાળાની પસંદગી કરી તેને ડેવલપ કરવા રૂ.5,62,53,700 નો ખર્ચ મંજૂર કરી ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરાઇ છે અને આ 4 શાળાઓમાં વિકાસ સહિતના કામો કરવામાં આવશે.

સરકારી શાળાઓમાં શિક્ષણ વ્યવસ્થા અને ગુણવત્તા ને સુદ્રઢ બનાવવા સહિત ભૌતિક સુવિધાઓમાં પણ આમૂલ પરિવર્તન લાવી અન્ય શાળાઓ માટે પ્રેરણારૂપ બની રહે તે માટે વર્ષ 2020-21 રાજ્ય સરકારે 500 શાળાઓને સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે વિકસાવવાની જાહેરાત કરી હતી. શરૂઆતના તબક્કા બાદ આ પ્રોજેક્ટ હાંશિયામાં ધકેલાઇ ગયા બાદ ફરી એકવાર તેમાં નવા પ્રાણ ફૂંકાયા છે સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં હાયર ઓર્ડર થીકીંગ સ્કીલનો વિકાસ, સરકારી શાળામાં 20 ટકા વધુ નામાંકન, શાળાના 80 ટકા વિદ્યાર્થી ધોરણને અનુરૂપ અધ્યયનમાં સફળતા પ્રાપ્ત કરે, એન.એ.એસ રેન્કીંગ માં સુધાર, મૂલ્યાંકન અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બાળકો માનસિક રીતે સક્ષમ બને તે આ પ્રોજેક્ટનો હેતુ છે.

હિંમતનગર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ વિગત આપતાં જણાવ્યુ કે હિંમતનગર તાલુકાની હાજીપુર, હડીયોલ, હાથરોલ અને બેરણા ગામની પ્રાથમિક શાળાઓની આ પ્રોજેક્ટ અંતર્ગત પસંદગી કરાઇ છે. જેમાં વર્ગખંડો સહિત કુમાર અને કન્યા માટે શૌચાલયની સંખ્યા પણ વધારાશે મીડ ડેમીલ રૂમનું આધુનિકરણ કરવા સહિત બાળકોને વર્તમાન પ્રવાહમાં જોડવા માનસિક રીતે સક્ષમ બને તેવા અપગ્રેડેડ શિક્ષણની સુવિધાઓ માટે રૂ.5.62 કરોડ મંજૂર થયા છે અને ટૂંક સમયમાં ટેન્ડરીંગ થયા બાદ વર્કઓર્ડર પણ આપી દેવાશે. આ કામગીરી 3 થી 11 મહિનામાં પૂર્ણ થઇ જશે.

આ શાળાઓની પસંદગી
હાજીપુર, હડીયોલ, હાથરોલ અને બેરણા ગામની પ્રાથમિક શાળા

અન્ય સમાચારો પણ છે...