પશુપાલકોની માગ:સા.કાં.માં 4 ગાયના મોત,અરવલ્લીમાં વધુ 69 પશુ લમ્પીની ઝપટમાં

હિંમતનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર તાલુકામાં લમ્પી ચેપગ્રસ્ત ગાયોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે - Divya Bhaskar
હિંમતનગર તાલુકામાં લમ્પી ચેપગ્રસ્ત ગાયોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે
  • હિંમતનગર તાલુકાના હુંજમાં 2 અને તલોદના ચેખલામાં બે લમ્પીગ્રસ્ત બે ગાયોનાં મોત, અરવલ્લીમાં 10 દિવસમાં 8 લમ્પીગ્રસ્ત પશુઓના મોત થયા
  • સાબરકાંઠામાં 18 ગાય, 5 બળદ ચેપગ્રસ્ત, અરવલ્લીમાં 437 લમ્પીગ્રસ્ત, વાયરસથી પશુમૃત્યુનો ભોગ બનનાર પશુપાલકોને ડેરી સહાય ચૂકવે તેવી પશુપાલકોની માગ

તંત્ર દ્વારા સબસલામતની જાહેરાતો કરાઈ રહી છે ત્યારે હિંમતનગરના હુંજમાં લમ્પી ચેપગ્રસ્ત બે ગાયોના મોત નિપજતા અને 18 ગાય તથા 5 બળદ ચેપગ્રસ્ત હોવાથી પશુપાલકોમાં ફફડાટ વ્યાપી જવાની સાથે સાથે લમ્પીગ્રસ્ત પશુમૃત્યુના કિસ્સામાં સાબરડેરી દ્વારા સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ઉભી થઈ રહી છે.

અરવલ્લી જિલ્લામાં ગુરુવારે વધુ 69 પશુઓ લમ્પી વાયરસની ઝપેટમાં આવ્યા હોવાનું નોંધાયું છે. જિલ્લામાં લમ્પી વાયરસના પગ પેસારા દરમિયાન 35 દિવસમાં 613 પશુઓમાં લમ્પી વાયરસ દેખાતા તેના ઉપર અંકુશ લાવવા મોડાસા, માલપુર, મેઘરજ, ધનસુરા, બાયડ અને ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા પશુપાલન વિભાગની પશુ ચિકિત્સકોની 50 જેટલી ટીમ દ્વારા કોઈપણ જાહેર રજા રાખ્યા સિવાય 233944 પશુઓને એક મહિનાના સમયગાળામાં વેક્સિનેશન કરાયું હોવાનું જિલ્લા પશુપાલન વિભાગના નાયબ અધિકારી કોવેશ પટેલે જણાવ્યું હતું.

તલોદ તાલુકાના મોટા ચેખલામાં એક જ દિવસમાં લમ્પી વાયરસના કારણે પટેલ હરેશભાઈ પુંજાભાઈ અને પટેલ દિલીપભાઈ કાંતિભાઈની બે ગાયોના મોત થતાં મોટાચેખલા સહિત વિસ્તારોમાં પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. સત્વરે તંત્ર દ્વારા પશુપાલકોમાં તપાસ કરવામાં આવે તેવી મોટા ચેખલા સહિત આજુબાજુના ગામોમાં પશુપાલકોની માંગ છે.

તંત્રના વેક્સિનેશન અને સર્વેલન્સના દાવા છતાં લમ્પી વાયરસે સાબરકાંઠા જિલ્લામાં પગ પેસારો કરી દીધો છે અને પશુમૃત્યુ પણ નોંધાઈ રહ્યા છે. તેમજ તાલુકાના હુંજ, જગતપુર, બાંખોર, કેશરપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં લમ્પી વાયરસે દેખા દીધી છે અને હાલમાં 18 ગાય તથા 5 બળદ ચેપગ્રસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ દરમિયાન હુંજ ગામના દિનેશભાઈ લલ્લુભાઈ પંચાલ અને રમેશભાઈ કચરાભાઈ દરબારની બે ગાય ચેપગ્રસ્ત થયા બાદ મોત નિપજતાં પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગામની દૂધમંડળીઓ દ્વારા સાબરડેરીને જાણ કરાતાં ડેરીના વેટરનરી વિભાગે હુંજમાં કેમ્પ કરી પંથકના 1200 જેટલા પશુઓનું રસીકરણ કર્યુ હતું. લમ્પી વાયરસથી પશુ મૃત્યુનો ભોગ બનનાર પશુપાલકોએ સરકાર અથવા તો સાબરડેરી દ્વારા જિલ્લામાં સર્વે કરી લમ્પી વાયરસથી મૃત્યુના કિસ્સામાં સહાય - વળતર ચૂકવવા માંગ કરી હતી. હાલ અરવલ્લીમાં 437 પશુઓમાં લમ્પીની ઝપટમાં હોવાનું નોંધાયું છે.

અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીમાં 613 પશુઓ વાયરસની ઝપેટમાં આવ્યા હતા તેમાંથી 168 પશુઓ રિકવર થયા છે જોકે દસ દિવસ ઉપરાંતના સમય ગાળામાં જિલ્લામાં 8 પશુઓના મોત થયા હોવાનું નોંધાયું છે. જિલ્લામાં ગુરુવારે વધુ 69 પશુઓ લમ્પી વાયરસની ઝપેટમાં આવતા પશુપાલન વિભાગ દ્વારા ઉપરોક્ત વિસ્તારોમાં સર્વે હાથ ધરીને વેક્સિનેશન કામગીરી હાથ ધરાઈ હતી અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીમાં 57 ટકા પશુઓનું રસીકરણ થયું હોવાનું જિલ્લા પશુપાલન વિભાગે જણાવ્યું હતું.

તલોદના મોટાચેખલામાં વધુ 2 પશુમાં લમ્પી દેખાયો
પુંસરી |તલોદના મોટાચેખલામાં લમ્પી વાયરસના વધુ બે કેસ આવ્યા હતા. બે ગાયોના મોત થતા ગામ લોકો દ્વારા ગાૈચરમાં ગાયને દાટી દેવાઇ હતી. ત્યારબાદ ગુરૂવારે ફરીથી બે કેસ કિરણભાઈ ગોરધનભાઈ પટેલ અને વાડીલાલ ગોવિંદભાઈ પટેલની ગાયમાં લમ્પીના લક્ષણ દેખાતા તરત જ ડોક્ટરનો સંપર્ક કર્યો હતો. સત્વરે તંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવે તેવી આજુબાજુના ગામ લોકોની ખેડૂતોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...