સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજમાં આવેલા એમ.સી. દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના યજમાન પદે હિંમતનગરના સાબર સ્ટેડીયમ પર ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો આનર્ત કોલેજનો 33મો ચાર દિવસીય એથ્લેટિક સ્પર્ધાનું આયોજન કરાયું છે. તો આ સ્પર્ધામાં સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જીલ્લાની 95 કોલેજના 783 ભાઈઓ અને 495 બહેનો મળી 1278 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જ્યારે 95 કોલેજમાંથી 680 ભાઈઓ અને 340 બહેનો મળી 1020 ખેલાડીઓએ ભાગ લીધો છે. તો કરોડોના સિન્થેટીક ટ્રેક પર ખુલ્લા પગે ખેલાડીઓ દોડતા જોવા મળ્યા હતા.
33 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
આનર્ત 33 એથ્લેટિક સ્પર્ધામાં દોડ, કુદ અને ફેક વિભાગની 33 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 6થી બપોરે 12 અને બપોરે 3થી સાંજના 6 કલાક સુધી ચાર દિવસ 100, 200, 400, 800, 1200, 5000 અને 10,000 મીટરની બહેનો અને ભાઈઓની દોડ યોજાશે. તો બીજી તરફ કુદ અને ફેકની ભાઈઓ અને બહેનોની સ્પર્ધા દિવસ દરમિયાન આયોજન કરાયું છે.
સ્પાઈક વાળા શુઝ હોય તો દોડના રેકોર્ડ પણ તૂટે: એમ.સી. દેસાઈ
આ અંગે પ્રાંતિજ એમ.સી. દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના અને આનર્ત-33 એથ્લેટિક સ્પર્ધાના મંત્રી ડૉ. મેહુલ પટેલે જણાવ્યું હતું કે, હિંમતનગરના સાબર સ્ટેડીયમ પર દોડ માટે ઈન્ટરનેશનલ કક્ષાનો સિન્થેટીક ટ્રેક કરોડોના ખર્ચે બનાવ્યો છે. ત્યારે આ ટ્રેક પર દોડવા માટે ખેલાડીઓએ અવશ્ય સ્પાઈક વાળા શુઝ પહેરવા પડે છે. પરંતુ કરોડોના ખર્ચે બનાવેલા ટ્રેક પર દોડવા માટે લાખોનો ખર્ચ કરી એથ્લેટિક સ્પર્ધાનું આયોજન કરાય છે. પરંતુ ખેલાડીઓ માટે ટ્રેક પ્રમાણેના શુઝ માટે કોઈનું ધ્યાન નથી. ત્યારે સિન્થેટીક ટ્રેક પર દોડમાં બહેનો અને ભાઈઓ ખુલ્લા પગે જોવા મળ્યા હતા. તો ખેલાડીઓને પણ સ્પાઈક વાળા શુઝની સુવિધા આપવી એ પણ કોલેજની જવાબદારી છે. જોવા જેવી વાત એ છે કે આ સિન્થેટીક ટ્રેક પર સ્પાઈક વાળા શુઝ હોય તો દોડના રેકોર્ડ પણ તૂટે છે.
પ્રથમ ત્રણ વિજેતા મેંગલોર ખાતે જશે
આ અંગે 400 મીટર દોડમાં વિજેતા વિજયનગર કોલેજની હસીના ખરાડીએ જણાવ્યું હતું કે, અમારે ત્યાં આવા દોડના ગ્રાઉન્ડ નથી એટલે અમે ખુલ્લા પગે જ દોડીએ છીએ. જેને લઈને કોલેજ, તંત્ર અને યુનિવર્સિટીએ આ બાબતે નોંધ લઇને યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. આ ચાર દિવસીય સ્પર્ધામાં પ્રથમ બીજો અને ત્રીજો નંબર ઉપરાંત ક્વોલીફાય થનાર ખેલાડીઓ આગામી જાન્યુઆરી-2023માં મેંગલોર ખાતે ઓલ ઇન્ડિયા એથ્લેટિક સ્પર્ધામાં ભાગ લેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.