• Gujarati News
  • Local
  • Gujarat
  • Sabarkantha
  • 2880 MCFT Of Water Flowed Into The River And 610 MCFT Into The Canal In 14 Days After Hathmati Reservoir Overflowed; The Income Of Water In Reservoirs Decreased

સાબરકાંઠામાં વરસાદનો વિરામ:હાથમતી જળાશય ઓવરફ્લો થતાં 14 દિવસમાં નદીમાં 2880 અને કેનાલમાં 610 MCFT પાણી વહ્યું; જળાશયોમાં પાણીની આવક ઓછી થઇ

સાબરકાંઠા (હિંમતનગર)23 દિવસ પહેલા

સાબરકાંઠા જિલ્લામાં 15 દિવસથી વરસાદે વિરામ લીધો છે. 14 દિવસથી ઓવરફ્લો થતાં હાથમતી નદીમાં 2880 MCFT અને હાથમતી કેનાલમાં 610 MCFT (મિલિયન ક્યુબિક ફીટ)પાણી વહ્યું છે અને હાલમાં કેનાલમાં 610 ક્યુસેક પાણી ચાલી રહ્યું છે. જેને લઈને નદી કિનારાના ગામોમાં પાણીના તળ ઊંચા આવ્યા છે. તો બીજી તરફ હાલમાં જળાશયોમાં ધીમે ધીમે પાણીની આવક ઓછી થઇ છે. બીજી તરફ ગરમીમાં વધારો થયો છે.

નદી કિનારાના ગામોમાં પાણીના તળ ઊંચા આવ્યાં
બે વર્ષ બાદ હિંમતનગરના ખાપરેટા પાસે આવેલ હાથમતી જળાશયનો 231 મીટર લાંબો વેસ્ટ વિયર 14 દિવસથી ઓવરફલો થઇ રહ્યો છે અને બુધવાથી ઓવરફ્લો બંધ થયો છે. આ અંગે હિંમતનગર સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર ડી.કે.પટેલે જણાવ્યું હતું કે 25 ઓગષ્ટના રોજ સવારે 5.30 વાગે હાથમતી જળાશય બે વર્ષ બાદ ઓવરફ્લો થયું હતું, જે 14 દિવસ સુધી ઓવરફ્લો થયું હતું. જેને લઈને હાથમતી જળાશયથી 35 કિમી નદીમાં થઈને હિંમતનગરના હાથમતી વિયરમાં 2050 MCFT (મિલિયન ઘનફૂટ)પાણી વહ્યું છે. જેને લઈને 35 કિમી નદી કિનારાના 25થી વધુ ગામડાઓમાં પાણીના તળ ઊંચા આવ્યા છે.

હાથમતી વિયર ઓવરફ્લો બંધ થતાં હાથમતી નદીમાં પાણી બંધ થયું
તો હિંમતનગર વિયરથી પ્રાંતિજના ગેડ સુધીની 22 કિમી હાથમતી નદીમાં 1440 MCFT (મિલિયન ઘનફૂટ)પાણી વહ્યું છે જેને લઈને 22 કિમી સુધી નદી કિનારાના 14થી વધુ ગામોના પાણીના તળ ઊંચા આવ્યા છે. તો આ પાણી ગેડ પાસે સાબરમતી નદીમાં મળી જાય છે તો આજથી આ પાણી નદીમાં વહેવાનું બંધ થયું છે. તો હિંમતનગરના હાથમતી વિયરથી કેનાલમાં 14 દિવસમાં 610 MCFT (મિલિયન ઘનફૂટ) પાણી વહ્યું છે. જેનાથી પ્રાંતિજ તાલુકાના 13 ગામોના તળાવો, લીમલા, કરોલ ડેમ અને પ્રાંતિજની બોખ ભરવામાં આવી રહી છે. તો હાલમાં પણ કેનાલમાં 600 ક્યુસેક પાણી ચાલી રહ્યું છે. હિંમતનગરના હાથમતી વિયર ઓવરફ્લો બંધ થતાં હાથમતી નદીમાં પાણી બંધ થયું છે.

100 ટકા ભરાયેલા હરણાવમાં પાણીની આવક બંધ થઇ
જિલ્લાના હિંમતનગરના કાણીયોલ પાસે આવેલ 81.99 ટકા ભરાયેલા ગુહાઈમાં 50 ક્યુસેક પાણીની આવક, હિંમતનગરના ખાપરેટા પાસે આવેલા 100 ટકા ભરાયેલા હાથમતીમાં 619 ક્યુસેક પાણીની આવક અને ક્યુસેક પાણીની જાવક, વિજયનગરનો 100 ટકા ભરાયેલા હરણાવમાં પાણીની આવક બંધ થઇ છે. ખેડબ્રહ્માના નજીક આવેલા 67.49 ટકા ભરાયેલા ખેડવામાં 100 ક્યુસેક પાણીની આવક અને 100 ક્યુસેક પાણીની જાવક, તલોદ પાસેના મેશ્વો નદી પર આવેલ 96.99 ટકા ભરાયેલા જવાનપુરા બેરેજમાં 366 ક્યુસેક પાણીની આવક અને 366 ક્યુસેક પાણીની જાવક નોધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...