સાબરકાંઠા જીલ્લામાં સર્વત્ર વરસાદ:ખેડબ્રહ્માના ખેડવા જળાશયમાંથી 250 કયુસેક પાણી છોડવામાં આવ્યું, નવ જેટલા નદી કિનારાના ગામોને સતર્ક રહેવા જાણ કરાઈ

સાબરકાંઠા (હિંમતનગર)15 દિવસ પહેલા
  • ઇડર અને તલોદમાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ, જળાશયોમાં પાણીની આવક

સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં સર્વત્ર વરસાદ નોધાયો હતો. તો ભારે વરસાદની આગાહી વચ્ચે મધરાતથી સવાર સુધી વરસાદ વરસતા તળાવોમાં નવા નીર આવ્યા હતા. નદીમાં પણ નવા નીર આવ્યા હતા, તો જીલ્લાના જળાશયોમાં પાણીની આવક નોધાઇ હતી.

ખેડબ્રહ્માના ખેડવા જળાશયમાં પાણીની આવક 100 કયુસેક છે. જેમાંથી રૂરલ લેવલ સાચવવા જળાશયનો એક દરવાજો 15 સેમી ખોલી 250 કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેને લઈને ખેડબ્રહ્માના પરોયા, બાસોલ, નવાનાના, રોધરા સહિતના નવ જેટલા નદી કિનારાના ગામોને સતર્ક રહેવા જાણ કરાઈ હતી. ખેડબ્રહ્માની હરણાવ નદીમાં પણ પાણી આવ્યું હતું.

ઇડરમાં વહેલી પરોઢે ત્રણ ઈચ વરસાદ ખાબકતા નગરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. અને વડાલી અને ઇડરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા વેકરી, ભેસકા અને ઘઉંવાવ નદીમાં પાણી આવ્યું હતું. જેને લઈને ગુહાઈમાં ચોમાસામાં પ્રથમ વાર વરસાદીની પાણીની આવક થઇ હતી. જોકે છેલ્લા કેટલાય વર્ષોથી ગુહાઈ જળાશય ભરાયું નથી.

તલોદમાં પણ વહેલી પરોઢે ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. તો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનો જોર વધુ રહ્યું હતું, જેને લઈને નદી નાળામાં પાણી આવ્યા હતા અને ખેતરોમાં પાણી ભરાયા હતા.

છેલ્લા 24 કલાકમાં સર્વત્ર વરસાદ નોંધાયો
ઇડર 72મીમી, ખેડબ્રહ્મા 18મીમી, તલોદ 70મીમી, પ્રાંતિજ 35મીમી, પોશિના 24મીમી, વડાલી 34મીમી, વિજયનગર 04મીમી અને હિંમતનગર 26મીમી વરસાદ નોંધાયો હતો.

જીલ્લાના જળાશયમાં આવક

  • ગુહાઈ જળાશયમાં 861 કયુસેક પાણીની આવક,હાથમતી જળાશયમાં 850પાણીની આવક
  • ખેડવા જળાશયમાં 230 પાણીની આવક અને જવાનપુરા બેરેજમાં 332 આવક અને 332પાણીની જાવક નોધાઇ
અન્ય સમાચારો પણ છે...