સંકટ ટળ્યું:હિંમતનગરના ગુહાઇ ડેમમાં 8 દિવસમાં નર્મદાનું 22.64 કરોડ લિટર પાણી નખાયું

હિંમતનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગર શહેર, હિંમતનગર તથા ઇડરના 129 ગામોમાં પીવાના પાણીનંુ સંકટ ટળ્યું

હિંમનગરના ગુહાઇ ડેમમાં 28 મે થી નર્મદાનું પાણી નાખવાનુ શરૂ કરતાં 8 દિવસમાં 22.64 કરોડ લિટર પાણીની આવક થતા હિંમતનગર શહેર અને હિંમતનગર તથા ઇડર તાલુકાના 129 ગામોમાં પીવાના પાણીનુ સંકટ ટળી ગયુ છે. સિંચાઇ સૂત્રોના જણાવ્યાનુસાર દૈનિક 2.83 કરોડ લિટર નર્મદાનું પાણી 30 દિવસ સુધી અપાશે.

ગુહાઇ જળાશયમાંથી હિંમતનગર અને ઇડર તાલુકાના 129 ગામ અને હિંમતનગર શહેરમાં વિવિધ જૂથ યોજના અને પાઇપલાઇનથી નાગરિકોની પીવાના પાણીની જરૂરિયાત સંતોષાય છે. ગત વર્ષે ચોમાસાની સિઝન પૂર્ણ થયા બાદ ડેમના ઉપરવાસમાં ઓછા વરસાદને પગલે નવા પાણીની નહીવત આવક થતાં નવેમ્બર માસમાં 40 ટકા જેટલો પાણીનો જથ્થો સંગ્રહ થયો હતો. જેમાંથી પીવાના પાણી સહિત સિંચાઇ માટે પણ પાણી અપાયુ હતું.

એપ્રિલમાં જ ડેમના તળિયા દેખાયા બાદ નર્મદાનું પાણી લેવાયું હતું. ત્યારબાદ મે માસમાં કપરી સ્થિતિ સર્જાઇ હતી અને માત્ર ડેડસ્ટોક જ બચ્યો હતો અને પાણીનુ સંકટ ઘેરૂ બનતા નર્મદાના પાણીની તાતી જરૂરિયાત ઉભી થતા હિંમતનગર ધારાસભ્યે સિંચાઇ વિભાગ સાથે પાણીની જરૂરિયાત અંગે ચર્ચા કરી સરકારમાં રજૂઆત કરતાં 30 એમસીએફટી પાણી આપવાનો નિર્ણય લેવાયો હતો. સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર ભરતભાઇ ચૌધરીએ જણાવ્યુ કે તા.28-05-22 થી નર્મદાનું પાણી આપવાનું ચાલુ કરાયું છે દૈનિક 1 એમસીએફટી પાણી આવી રહ્યુ છે અને જરૂરિયાત રહેશે તો 30 દિવસ સુધી પાણીના સપ્લાય ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...