હિંમતનગરના હાથરોલ ગામના શખ્સે વર્ષ 2019 માં તલોદના રણાસણની જય માતાજી ઓટો એજન્સીમાંથી રોકડેથી બાઇક ખરીદ્યા બાદ વીમા- પાર્સીંગ માટે લીધેલ આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડની નકલો પર સહીઓ કરાવી વાહન માલિકની જાણ બહાર લોન કરાવી લીધી હોવા અંગે તલોદ પોલીસ સ્ટેશનમાં બંને ભાગીદારો વિરુદ્વ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હાથરોલ ગામના કરમશીભાઇ ખોડાભાઇ દેસાઇએ વર્ષ 2019માં રણાસણની જય માતાજી ઓટો એજન્સીમાં દલજીતસિંહ અરવિંદસિંહ કુંપાવત (રહે. ભવાનગઢ તા.ઇડર) અને જીગરભાઇ રમેશભાઇ પંડ્યા (રહે. છાદરડા તા.પ્રાંતિજ) ને મળી રૂ.56 હજાર બાઇકના અને રૂ.4 હજાર વીમા-પાસીંગના મળી કુલ રૂ.60 હજાર આપી બાઇક ખરીદ્યુ હતું અને વીમા - પાસીંગ માટે તેમણે ચૂંટણી કાર્ડ અને આધારકાર્ડની નકલો ઉપર સહીઓ કરાવી લીધી હતી.
ત્યારબાદ તા.13-02-21 ના રોજ બાઇક નં.જી.જે-9-ડી.એફ-2416 ઉપર લોન હોવાની અને નાણાં ન ભર્યા હોવાની નોટિસ મળતાં આ બંને જણાનો સંપર્ક કર્યો હતો અને તેમણે કોઇ ફાયનાન્સ વાળો તમારા ઘેર આવશે નહી કહીને નોટિસ લઇ લીધી હતી. આ બંનેએ માસ ફાયનાન્સમાંથી રૂ.50 હજારની લોન લીધી હોવાની અને અન્ય વ્યક્તિઓના નામે પણ લોન કરાવી દીધી હોવાની તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.