હિંમતનગર નગરપાલિકાની બુધવારે યોજાયેલ સામાન્ય સભામાં વિકાસના કામો મંજૂર કરવા સહિત પાલિકા વિસ્તારને ચોતરફ અડીને વિકસીત થયેલ 2 કી.મી.નો વિસ્તાર પાલિકામાં સમાવીષ્ટ કરવા ઠરાવ કરવામાં આવતા પાયાની સુવિધાઓના મામલે પારાવાર હાલાકીનો સામનો કરી રહેલ નામના હિંમતનગર વાસીઓની વર્ષો જૂની માંગ સંતોષાતા આનંદની લાગણી પેદા થઇ છે. પાલિકાની દરખાસ્તને સરકાર દ્વારા ક્યારે મહેસુલી રાહે મંજૂરી મળે છે તે મહત્વનુ બની રહેશે.
બુધવારે શહેરના ટાઉન હોલમાં પાલિકા પ્રમુખ યતીનબેન મોદીના અધ્યક્ષ સ્થાને અને કારોબારી અધ્યક્ષ સાવનભાઇ દેસાઇ ચીફ ઓફીસર નવનીત પટેલ પાલિકા સદસ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલ સામાન્ય સભામાં ભાવમાં વધઘટને કારણે રીટેન્ડરીંગ, ક્લોરીન ગેસ સીલીન્ડર હાઇડ્રોટેસ્ટમાં પાસ ન થતા નવા ખરીદવા, નવીન સીમેન્ટ કોન્ક્રીટ રોડ બનાવવા, નવા બની રહેલ પાલિકા બિલ્ડીંગમાં ઇટને બદલે બ્લોક લગાવવા, 3 કરોડના ખર્ચે નવીન રોડ બનાવવા, પાલિકા હસ્તકના કોમન પ્લોટ, ખૂલ્લી જગ્યા, સરકારી ખૂલ્લી જગ્યામાં જનભાગીદારીથી રેન વોટર હાર્વેસ્ટીંગ - પાણી સંગ્રહની વ્યવસ્થા, એમ્યુઝમેન્ટ પાર્કની બાજુમાં બનાવેલ ફૂડ કોર્ટની દુકાનો વાર્ષિક ભાડેથી આપવા તથા મોતીપુરા ખેડતસીયા રોડ અને ગાંધીરોડની ખૂલ્લી જગ્યાનુ બ્યુટીફીકેશન કરવા સહિતના વિકાસકામો મંજૂર કરાયાનુ સાવનભાઇ દેસાઇએ જણાવ્યુ હતું. પાલિકા પ્રમુખ યતીનબેન મોદીએ જણાવ્યુ કે હિંમતનગર શહેરનો વ્યાપ વધતા આજુબાજુના ડેવલપ થયેલ પંચાયત વિસ્તારમાં પાયાની સુવિધાઓમાં વધારો થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.