પાંચ દિવસ અગાઉ ઇડર તાલુકામાં ડ્રીપ પાઇપોની ચોરી કરનાર શખ્સો તલોદના અહમદપુરાની સીમમાં ખેતરમાં પહોંચતા બંડલ ડાલામાં મૂકવા દરમિયાન ખેતર માલિકને જાણ થતાં પાડોશી ખેડૂત અને ખેતરમાલિકે ડાલાનો પીછો કરી વાંટડા ટોલ ટેક્સથી ઝડપી લીધું હતું. જેમાં 4 શખ્સો ફરાર થઈ ગયા હતા પરંતુ બેને પકડી લેવાયા હતા.
અહમદપુરાના ધીરુભાઈ મગનભાઈ પટેલ તા. 01-03-23 ના રોજ સાંજે ખેતરમાંથી ઘેર આવ્યા હતા. તે દરમિયાન સાડા દસેક વાગ્યાના સુમારે તેમના કુટુંબી મધુસુદનભાઈ પટેલનો ફોન આવ્યો હતો અને કોઈ માણસો તમારા ખેતરમાંથી ડ્રીપ પાઇપ ડાલામાં ભરે છે તેવી વાત કરતાં ઇકો લઈ ધીરુભાઈ ખેતર તરફ નીકળ્યા હતા.
પરંતુ થોડીવારમાં જ ચોરો ડ્રીપના બંડલોની ચોરી કરી ડાલુ લઇ ફરાર થતાં મધુસુદનભાઈએ પીછો કરવાનું શરૂ કર્યું હતું અને ધીરુભાઈને ફોન કરીને સાબર ડેરી થઈ હિંમતનગર તરફ જતાં રોડ બાજુ આવવાનું કહ્યું હતું બંનેએ પીછો કરતાં ડાલું સાબર ડેરીથી સહકારી જીન થઈ ગાંભોઈ પાર કરી વાંટડા ટોલ ટેક્સ પર વાહનોની લાઈન હોવાને કારણે ઉભું રહેતા ઝડપ્યું હતું.
જેમાં ચાર શખ્સો ઉતરીને ફરાર થઈ ગયા હતા. જ્યારે હાર્દિક સુરેશ મકવાણા (રહે.લેઈ તા.ઈડર) કરણ લાલજી પરમાર (રહે. કાવા તા. ઈડર)ને 1.25 લાખના 35 જેટલા ડ્રીપના બંડલ સાથે ઝડપી તલોદ પોલીસને સુપરત કર્યા હતા. નોંધનીય છે કે ચારેક દિવસ અગાઉ ઉમેદપુરામાં ત્રણ ખેતરમાં ડ્રીપ પાઇપની ચોરી કરવામાં સંડોવાયેલ ડાલાનો નંબર પણ જીજે-31-ટી-6442 હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.