કોરોના કાળમાં ઔદ્યોગિક એકમો સહિત રીઅલ એસ્ટેટ વ્યવસાયે મંદીનો સામનો કર્યા બાદ છેલ્લા એક વર્ષ દરમિયાન રીઅલ એસ્ટેટ વ્યવસાયના રોકાણોમાં જોરદાર ઉછાળો આવ્યો છે ચાલુ વર્ષે બાંધકામ ખર્ચ 25 ટકા જેટલું વધવા છતાં આગળના વર્ષની સરખામણીએ જમીન-મિલકતોના દસ્તાવેજોની સંખ્યામાં 19.37 ટકાનો ઉછાળો આવ્યો છે રીઅલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણ વધવા પાછળ બેન્ક વ્યાજદરમાં ઘટાડો, સોના-ચાંદી મ્યુચ્યુઅલ ફંડમાં ઓછું વળતર અને સૌથી મહત્વનું 70 થી 80 ટકા કિસ્સામાં બ્લેક મની 'ઠેકાણે' પાડવાની સવલત સહિતના પરિબળો જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.
કોરોના કાળમાં લગભગ બધા વ્યવસાય ઠપ થઈ ગયા હતા અને સૌથી માઠી અસર રીઅલ એસ્ટેટ સેક્ટરમાં જોવા મળી હતી ત્યારબાદ સીમેન્ટ કપચી રેતી લોખંડ સહિતના બિલ્ડીંગ મટીરીયલ અને લેબરમાં ભાવ વધારો ઝીંકાયા રીઅલ એસ્ટેટ ડેવલપર અને બિલ્ડર મુશ્કેલ સ્થિતિમાં મુકાયા હતા અને બાંધકામ ખર્ચમાં વધારો કરવામાં આવ્યો હતો અગાઉ રૂ.1000 થી 1200 પ્રતિ ચો.ફૂટનો ભાવ હતો જેમાં વધારો કરી હાલમાં 1400થી 1500 ભાવ નક્કી કરાયો છે. અને મટીરીયલ ની ગુણવત્તા પ્રમાણે રૂ.50 થી 100 ઓછા વત્તા ભાવ નક્કી કરવામાં આવે છે.
હિંમતનગર સબ રજીસ્ટ્રાર ચિરાગ પટેલ દ્વારા મળતી માહિતી અનુસાર નાણાકીય વર્ષ 2019-20 માં 9752 દસ્તાવેજ થયા હતા અને સ્ટેમ્પ ડ્યુટી તથા રજીસ્ટ્રેશન થી મળી કુલ રૂ.24.12 કરોડની આવક થઇ હતી વર્ષ 2020-21માં 10321 દસ્તાવેજ થતા રૂ. 29.30 કરોડ અને વીતેલા નાણાકીય વર્ષ 2021-22 માં 12321 દસ્તાવેજ થતા સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફીની રૂ.31.3 કરોડની આવક થઈ હતી મતલબ પાછલા વર્ષની સરખામણીએ 19.37 ટકા અને બે વર્ષની સરખામણીએ વેચાણ દસ્તાવેજની પ્રવૃત્તિમાં 26.34 ટકાનો ઉછાળો આવ્યો છે
મોટા વ્યવસાયકારો અને સરકારી કર્મીઓ રીઅલ એસ્ટેટના રોકાણ તરફ વળ્યા
હાલમાં લોકો ધૂમ ખરીદી કરી રહ્યા છે પ્લોટ રાખે છે પૈસા કાઢે છે લોન લે છે. બાંધકામ ખર્ચ 25 ટકા વધી ગયું છે તેમ છતાં બેંકમાં એફડી સહિતના વ્યાજમાં દરોમાં ઘટાડો સોના-ચાંદી મ્યુચ્યુઅલ ફંડોમાં ઓછું રિટર્ન સહિતના પરિબળોને કારણે સુરક્ષિત અને મહત્તમ વળતર આપતું રીઅલ એસ્ટેટ સેકટર પ્રથમ પસંદગી બની રહ્યું છે. આ ઉપરાંત લોનના વ્યાજનું ઇન્કમટેક્સમાં કપાત મળતું હોય મોટા વ્યવસાયકારો અને સરકારી કર્મચારીઓ રીઅલ એસ્ટેટના રોકાણ તરફ વળ્યા છે - જયેશ પટેલ, ડેવલપર
છેલ્લા 3 વર્ષમાં થયેલ દસ્તાવેજ અને આવક | |||
વર્ષ | દસ્તાવેજ | રજીસ્ટ્રેશન ફી | સ્ટેમ્પ ડ્યુટી |
2019-20 | 9752 | 3,53,92,130 | 20,68,63,279 |
2020-21 | 10321 | 4,26,58,866 | 25,01,42,920 |
2021-22 | 12321 | 4,63,66,735 | 26,39,41,168 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.