વડાલીમાં સોમવારે ગાંધીનગર અને સાબરકાંઠા ખેતીવાડી ગુણવત્તા નિયંત્રણ વિભાગની ટીમોઅે સપાટો બોલાવી 4 સિડ્સ પ્રોસેસીંગ યુનિટમાંથી 34 જેટલા સેમ્પલ લઇ 1.37 કરોડનો 18 ટન શંકાસ્પદ બિયારણનો જથ્થો સ્ટોપ સેલ કરતાં ખળભળાટ મચી ગયો છે.
વડાલી પંથકમાં ધમધમતા કોટન જીનીંગ એન્ડ પ્રોસેસીંગ યુનીટોમાં પ્રતિબંધિત હર્બીસાઇડ ટોલરન્સ ઉમેરાતુ હોવાની માહિતી મળતાં તા.09/05/22 ના રોજ ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાના ખેતીવાડી વિભાગની ટીમોએ આનંદ જીન, વિશ્વાસ જીન, એવરેસ્ટ જીન અને યોગેશ્વર જીનમાં સવારથી જ ધામા નાખતા સ્થાનિક અગ્રણીઓએ ધમપછાડા શરૂ કર્યા હતા. ક્વોલીટી કંટ્રોલની ટીમોએ ચાર મોટા યુનિટમાં તપાસ આદરતા કરોડોનું પ્રતિબંધિત બિયારણ મળી આવવાની સંભાવનાઓ વ્યક્ત થઇ હતી પરંતુ ત્રણ જીનમાં બિયારણના પેકિંગનો સ્ટોક બહુ ઓછો મળ્યો હતો.
ખેતીવાડી નાયબ નિયામક કલ્પેશ દેસાઇએ જણાવ્યું કે આનંદજીનમાંથી 12182 પેકેટ સ્ટોપ સેલ કરી 15 સેમ્પલ લેવાયા છે. વિશ્વાસ જીનમાંથી 7 સેમ્પલ લઇ 2728 પેકેટ સ્ટોપ સેલ કરાયા છે તેવી જ રીતે એવરેસ્ટ જીનમાંથી 1253 પેકેટ અને 8 સેમ્પલ તથા યોગેશ્વર જીનમાંથી 426 પેકેટ સ્ટોપ સેલ કરી 04 સેમ્પલ લેવાયા છે તેમણે ઉમેર્યું કે બિયારણના તમામ પેકેટ 450 ગ્રામના છે અને 11230 કિ.ગ્રા. લૂઝ બિયારણ સહિત કુલ 18785 કિ.ગ્રા. શંકાસ્પદ બિયારણનો જથ્થો સ્ટોપ સેલ કરાયો છે અને કુલ 34 સેમ્પલ લઇ પરીક્ષણ અર્થે મોકલી અપાયા છે. અને મોટાભાગે એક મહિનાની અંદર રિપોર્ટ આવી જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.