હિંમતનગરના ડો.નલિનકાન્ત ટાઉનહોલમાં સાંસદ રમીલાબેન બારાની અધ્યક્ષતામાં કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 757 સ્વ-સહાય જૂથોને રૂ. 1127 લાખની સહાય ચૂકવાઇ આવી હતી. વડાપ્રધાન મોદીના માતા હિરાબાને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવાઇ હતી.
આ પ્રસંગે રમિલાબેન બારાએ જણાવ્યું હતું કે, ભારતીય મહિલાઓ આજે આગળ વધી છે. ઇતિહાસમાં આપણે મહિલાઓનું સ્થાન ખુબ ઉંચુ હતું. આપણો સમાજ પુરૂષ પ્રધાન છે, પરંતુ આજે મહિલાઓ પુરૂષ સમોવડી બની છે. એથી વધુ તેમને જણાવ્યું કે સ્ત્રી એટલે ઘર, સ્ત્રીના હોવાથી જ સમાજનું નિર્માણ થયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરી દીકરીઓના શિક્ષણ માટે દ્રઢ સંકલ્પ કર્યો હતો. દીકરીઓને મુસાફરી પાસ, ફી, સાયકલ થી લઈ સ્ટેશનરી વગેરે ઉપલબ્ધ કરાવી શિક્ષિત કરી છે.
આ શિક્ષિત દીકરી આજે પગભર બની છે. પૈસા કમાવા માટે સરકારી નોકરી જરૂરી નથી પરંતુ પોતાની આવડતથી નાનો મોટો વ્યવસાય પણ વિકસાવી શકે છે. જેના માટે સરકારે તેમના માટે લોન-ધિરાણની વ્યવસ્થા પણ કરી છે. મહિલાઓ દ્વારા ઉત્પાદિત માલ સામાનને વેચાણ માટે બજાર પણ ઊભું કરી આપ્યું છે. આમ સરકાર દ્વારા મહિલાઓને સશક્તિકરણ માટે અનેકવિધ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે મહિલા અગ્રણી કૌશલ્યા કુંવરબાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સ્ત્રી સશક્તિકરણની શરૂઆત કરવામાં આવી તે પહેલા મહિલાઓ ઘર સાચવતી હતી અને તેમની પાસે પૈસો પણ ન હતો. ક્યારેક પરિવારમાં કોઈ આકસ્મિક ખર્ચ આવી પડે તો મહિલા પોતાના ઘરેણા વેચીને તે ખર્ચને પહોંચી વળતી હતી. જ્યારે આજે સ્વ-સહાય જૂથો થકી મહિલાઓ પૈસા કમાઈ રહી છે. સાથે બેંક દ્વારા તેમને લોન આપવામાં આવી રહી છે સરકાર દ્વારા મહિલાઓને નવા નવા પ્લેટફોર્મ પૂરા પાડવામાં આવી રહ્યા છે ચૂલાથી ચોરા સુધી મહિલાઓને લાવવાની કામ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે જે ખૂબ જ સરાહનીય છે.
હિંમતનગર ધારાસભ્ય વી. ડી. ઝાલાએ જણાવ્યું કે સામાન્ય પરિવારની ઓછી શિક્ષણ મેળવેલ મહિલાઓ મિશન મંગલમ થકી તાલીમબધ્ધ બને અને પોતાની આસપાસ અન્ય બહેનોને પણ વધુમાં વધુ લાભ અપાવવા પ્રયત્ન કરી જેથી સ્વયં પણ સક્ષમ બની અને અન્યને સક્ષમ બનાવવા તક આપવા તેમ અપીલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.