પાણીની સમસ્યા:સાબરકાંઠાના 4 તાલુકામાં જળસંકટ નિવારવા છેલ્લા 15 દિવસમાં 110 હેન્ડ પંપ લગાવાયાં

હિંમતનગર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોશીનાનું ગણેર ગામ - Divya Bhaskar
પોશીનાનું ગણેર ગામ
  • ઇડર, વિજયનગર, પોશીના, વડાલી તાલુકામાં 138 હેન્ડપંપોને રિપેરિંગ કરવા સર્વે ચાલુ
  • જિલ્લાના 333 ગામમાં દૈનિક 68.91 એમએલડી પાણી અપાય છે
  • ગુહાઇ ડેમમાંથી 12-13 એમએલડી પાણી 13 ગામોમાં વિતરણ કરાય છે અને ધરોઇ જળાશયમાંથી રોજ 42.25 એમએલડી પાણી અપાય છે

સાબરકાંઠા જિલ્લાના પશ્ચિમ અને ઉત્તર વિસ્તારમાં અગામી સમયમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બનવાની પૂરી સંભાવના છે ત્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા 4 તાલુકામાં છેલ્લા 15 દિવસમાં 110 હેન્ડ પંપ લગાવાયા છે અને રજૂઆતો મળ્યા બાદ 138 નો સર્વે ચાલુ છે. મતલબ, 138 સ્થળ પર પાણીની સમસ્યા સર્જાઇ ચૂકી છે.

સાબરકાંઠા જિલ્લાના 590 ગામ પૈકી 185 ગામ એવા છે જેમણે પાણીની સેવાઓ માટે સ્વૈચ્છિક ઇન્કાર કર્યો છે. જ્યારે 333 ગામમાં પાણી પુરવઠા વિભાગની વિવિધ જૂથ યોજનાઓ દ્વારા દૈનિક 68.91 એમ.એલ.ડી. પાણી પૂરૂ પડાય છે. ઇડર, વડાલી તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં અને ઉત્તરે પોશીનાના ડુંગરાળ વિસ્તારોમાં પાઇપ લાઇનથી પાણી પહોંચાડવુ શક્ય બન્યુ નથી.

પોશીના, ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકાના અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં હેન્ડ પંપ જ મહદ્દઅંશે પીવાના પાણીનો એક માત્ર સ્ત્રોત છે અને જિલ્લાના પશ્વિમોત્તર વિસ્તારમાંથી ધીમે ધીમે પીવાના પાણીની બૂમ ઉભી થઇ રહી છે. પોશીના તાલુકામાં માત્ર 4 ગામ કૂવા આધારિત પીવાના પાણીની સુવિધા ધરાવે છે. પાણીપુરવઠા અધિકારીના જણાવ્યા અનુસાર સાબરકાંઠા જિલ્લામાં હાલ પાણીનું કોઇ સંકટ નથી.

પોશીનાના ડુંગરાળ વિસ્તારમાં પાઈપલાઈન અને વોટર લીફટીંગ લગભગ અશક્ય છે ત્યારે પીવાના અને અન્ય ઉપયોગમાં લેવાના પાણી માટે હેન્ડ પંપ જ એકમાત્ર કારગર વિકલ્પ છે. ગરમીમાં પરિવારોનું જરૂરિયાતનું પાણી ભરવા મહિલાઓ વારો આવવાની શાંતિથી રાહ જોઈ રહી છે.

હાલમાં પાણીનું કોઇ જ સંકટ નથી: અધિકારી
પાણી પુરવઠા અધિકારી કે.કે. બોદરે જણાવ્યું કે જિલ્લાના 333 ગામમાં દૈનિક 68.91 એમએલડી પાણી અપાય છે. જેમાં ગુહાઇ ડેમમાંથી 12-13 એમએલડી પાણી 13 ગામોમાં વિતરણ કરાય છે. 1.60 એમએલડી પાણી શહેરી વિસ્તારમાં અપાય છે. ધરોઇ જળાશયમાંથી દૈનિક 42.25 એમએલડી પાણી લેવાય છે.

છેલ્લા 15 દિવસમાં પીવાના પાણીની સમસ્યા સર્જાતા પોશીના તાલુકામાં 77, ખેડબ્રહ્મા તાલુકામાં 21, હિંમતનગર તાલુકામાં 09, ઇડર તાલુકામાં 02, તલોદ તાલુકામાં 01 મળી કુલ 110 નવા હેન્ડ પંપ લગાવાયા છે અને નવી 138 રજૂઆતો મળતાં તમામનો સિવિલ અને મિકેનીકલ સર્વે ચાલુ કરાયો છે તેમણે ઉમેર્યું કે જ્યાં પણ કોલમ પાઇપ, મશીનરી, મોટરની જરૂર ઉભી થાય તેની ચકાસણી કરી આપી દેવાય છે હાલ પાણીનુ કોઇ સંકટ નથી.

અન્ય સમાચારો પણ છે...