ચોરીની ફરિયાદ:હિંમતનગરના મહેતાપુરામાં જ્વેલર્સના ઘરમાં 1 કરોડની ચોરી

હિંમતનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ત્રીજા માળના ધાબા પર હવા ઉજાસ માટે મુકેલ જાળી ને તોડીને નીચે ઉતાર્યા હોવાની સંભાવના ઉપર પોલીસે તપાસ હાથ ધરી છે. - Divya Bhaskar
ત્રીજા માળના ધાબા પર હવા ઉજાસ માટે મુકેલ જાળી ને તોડીને નીચે ઉતાર્યા હોવાની સંભાવના ઉપર પોલીસે તપાસ હાથ ધરી છે.
  • ઘરને તાળુ મારી બહાર ગામ ગયા નથીને રાત્રે ચોરી થઇ સમજો : રૂ.25 લાખ રોકડા સહિત રૂ.75 લાખની મત્તાની ચોરીની ફરિયાદ નોંધાઈ
  • પરિવાર જાનમાં ગયો હતો, પરત આવતાં ચોરી થયાની જાણ થઇ : એસ.પી. સહિતના અધિકારીઓ દોડી આવ્યા

હિંમતનગર શહેરના મહેતાપુરામાં બુધવારે મળસ્કે સાડા ત્રણેક વાગ્યે જાનમાં ગયેલ જ્વેલર્સ પરિવાર પરત આવતા ઘરમાં ચોરી થયાની જાણ થતા હતપ્રભ બની ગયો હતો. 1 કરોડથી વધુની મત્તાની ચોરી થવાની ચર્ચાઓ વચ્ચે એસ.પી. સહિતના પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. બી ડિવિઝન પીએસઆઈ એ.વી. જોશીએ જણાવ્યું કે 25 લાખ રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત અંદાજે 75 લાખની મતાની ચોરી થયાની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરાઇ છે.

હિંમતનગર શહેરના મહેતાપુરા વિસ્તારમાં રહેતા મનીષભાઇ મોહનલાલ સોનીના પરિવારમાં લગ્ન પ્રસંગ હોઇ મંગળવારે મળસ્કે બે - અઢી વાગ્યે જાન લઇને ગયા હતા. બુધવારે મળસ્કે સાડા ત્રણેક વાગ્યે કેટલાક લોકો વહેલા ઘેર પહોંચ્યા હતા. અને મુખ્યધ્વારનું તાળુ ખોલી ઘરમાં પ્રવેશતા બધો સામાન વેર વિખેર પડેલો જોઇ ચોરી થયાનો અંદાજ આવી જતા હતપ્રભ થઇ ગયા હતા. ત્રણ પરિવારના મકાન એક જ લાઇનમાં છે જેમાં એક ભાઇના ઘેર તસ્કરો ત્રાટક્યા હતા.

તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળુ તોડવાને બદલે ત્રીજા માળે ચઢી ગયા હતા અને ધાબામાં હવા ઉજાસ માટે મૂકેલ જાળી કાપીને નીચે ઉતરી બધા દરવાજા ખોલી સામાન ફેંદતા નીચે ઉતર્યા હતા. અને ગ્રાઉન્ડ ફ્લોર પર મૂકેલી તિજોરીની ચાવી શોધી તેમાં હાથ અજમાવી સોનુ ચાંદી રોકડની ચોરી કરી સીફત પૂર્વક ઘરની બહાર નીકળી ગયા હતા.

તસ્કરો ત્રીજા માળે કેવી રીતે પહોંચ્યા, ત્રીજા માળના ધાબામાં હવા ઉજાસ માટેની જાળી છે ખબર કેવી રીતે પડી, ત્રણ મકાનો બંધ હોવા છતા મુખ્ય ધ્વારનુ તાળુ કેમ ન તોડ્યુ, સોના - ચાંદીનું આટલુ વજન લઇને પરત ઉપર ચઢવુ અને એટલુ જ વજન લઇને પલાયન થવુ સહિતના પરિબળો પોલીસ માટે પણ માથાનો દુ:ખાવો બની રહ્યા છે.

કારણ આજુબાજુના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં પણ કશુ અજુગતુ મળ્યુ ન હોવાનુ જાણવા મળી રહ્યું છે. ચોરી થવાની વાત ફેલાતા લોકોના ટોળા ઉમટ્યા હતા. વહેલી સવારે એસપી સહિતના પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા અને ચર્ચાઇ રહ્યા મુજબ 1 કરોડથી વધુની મતાની ચોરી થયાનો અંદાજ મૂકાઇ રહ્યો છે. ત્યારે પોલીસ દ્વારા ડોગસ્કવોડ, એફએસએલ, ટેકનિકલ સર્વલન્સની મદદ લેવામાં આવી હતી.

પોલોગ્રાઉન્ડમાં ધોળા દિવસે બે ઘરના તાળાં તૂટ્યા
મહેતાપુરામાં 1 કરોડથી વધુની ચોરીની આશંકા પગલે પોલીસ તપાસમાં વ્યસ્ત હતી. બીજી બાજુ મહેતાપુરાથી પાંચ મિનિટના અંતરે આવેલ પોલોગ્રાઉન્ડમાં રાજુભાઇ મોદીના અડી અડીને આવેલ બે મકાનમાં ધોળા દા‘ડે તસ્કરોએ હાથ અજમાવ્યો હતો. બંને મકાનો બંધ હતા અને સાંજે પડોશીઓને ચોરી થયાની ખબર પડતા બંને મકાન માલિકને જાણ કરાઇ છે. શહેરમાં તસ્કરોએ માઝા મૂકતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...