પોશીનાના કાલકાકરમાં ગત 1 જૂને પોશીના પોલીસ ગેરકાયદે હથિયાર રાખવા બાબતે તપાસમાં જતા પોલીસકર્મીઓ પર હુમલો થતાં 3 પોલીસકર્મી ઘાયલ થયા હતા.જેથી પોલીસે કાલીકાકરના લોકો વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જેમાં એક વ્યક્તિએ ગુનો કર્યો અનેતેનું પરિણામ આખું ગામ ભોગવે છે અને આના કારણે ગામના બધા લોકોને પોલીસ હેરાન કરતી હોવાના આક્ષેપ સાથે ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું.
કાલીકાકર ગામના અને અન્ય આગેવાનોએ આપેલ આવેદન મુજબ 1 જૂને કાલીકાકરમાં ગેરકાયદે હથિયા૨ બાબતે શખ્સના ગુના બાબતે પોલીસ પર કર્મચારીઓ પર હુમલો થયો હતો. પરંતુ એક વ્યક્તિના ગુનામાં પોલીસ આખા ગામના તમામ લોકો ગુનેગાર હોય તેમ રોજ દિવસમાં ત્રણ ચાર વખત આવી જે પણ હાજર હોય તેની મારઝૂડ કરે છે. ગામની સ્ત્રીઓ પર અમાનવીય અત્યાર કરે છે, બોર અને કૂવાઓની મોટ૨ના પાઈપ કાપી નાખેલ છે. હેન્ડપંપ તોડી નાખ્યા છે. બકરાં, મરઘાંને નુકશાન કરાય છે. ઘરવખરી અને દુકાનના સામાનની લૂંટફાટ કરે છે.
ગામમાં જે પણ મળે તેઓને આ ગામમાં રહેવા દઈશું નહીં તેવી ધમકીઓ આપે છે. પોલીસના આવા ડરથી ગામલોકોને હીજરત કરવાની ફરજ પડી છે. હાલમાં ગામના લોકોમાં ભયનો માહોલ પેદા થયેલ છે ગામમાં કોઈ પરત ફરવા માગતુ નથી. આ બાબતમાં જે પણ પોલીસ કર્મચારી, અધિકારી સામેલ છે તેની બદલી કરી કાલીકાકરમાં ફરી શાંતિ સ્થાપવા રજૂઆત કરાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.