આક્ષેપ:ખેડબ્રહ્માની નદીમાં તૂટેલા રોડનું વેસ્ટ નાખી પૂરાણ કરાઇ રહ્યાનો આક્ષેપ

ખેડબ્રહ્માએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા દ્વારા જૂના આરસીસી રોડ તોડી તેનું વેસ્ટ નદીમાં નાખી પૂરાણ કરાઇ રહ્યું છે
  • પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન અને વોર્ડ-7ના સદસ્ય દ્વારા સીએમને રજૂઆત કરાઇ

ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા હાલમાં જૂના આર.સી.સી. રોડ તોડી નવા બનાવાઇ રહ્યા છે અને તેનું વેસ્ટ નદીમાં નાખવામાં આવતા પાલિકાના સદસ્યએ જ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. ખેડબ્રહ્મા પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન અને વોર્ડ- 7 ના સદસ્ય ધર્મેન્દ્ર મહેતાના જણાવ્યા અનુસાર સરકાર નદીમાં પાણીનો સંગ્રહ થાય તે માટે કરોડોના ખર્ચે સુજલામ સુફલામ યોજના અંર્તગત તળાવો અને નદીઓ ઊંડી કરાવવાની યોજના અને અભિયાન ચલાવે છે.પરંતુ તેનાથી ઉલટુ ખેડબ્રહ્મા પાલિકા હાલમાં જૂના રોડ તોડી નવીન રોડ બનાવાઇ રહ્યા છે.

જેથી જૂના રોડનું વેસ્ટ મટેરિયલ આર.સી.સી બ્લોક, ડામર વેસ્ટ નદીમાં નાખીને નદી પૂરવાનું કામ કરી રહી છે. આ અંગે મૌખિક રજૂઆતો પણ કરાઇ રહી છે. છતાંય પાલિકા દ્વારા મનફાવે તેમ નદીમાં રોજ સાઈડો ઉપર આ વેસ્ટ નાખી રહી છે. જેના કારણે આવનાર ચોમાસામાં પાણીનો પ્રવાહ બદલાઈ શકે છે.

રોજ સાઈડો ઉપર સિમેન્ટના બ્લોક નખાતાં અકસ્માત પણ થઈ શકે છે. તો આ અંગે તપાસ કરી આ વેસ્ટ નાખવા કોન્ટ્રાકટરોને કોને મંજૂરી આપી તેની માહિતી મેળવી કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી પ્રાંત અધિકારી, કલેક્ટર, પ્રાદેશિક કમિશ્નર, સિંચાઈ મંત્રી તથા મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...