ખેડબ્રહ્મામાં બુધવારે કોંગ્રેસ દ્વારા યોજાયેલ નવસંકલ્પ સંમેલન અશ્વિન કોટવાલમય બની રહ્યું હતું. અશ્વિન કોટવાલના જવાથી ખેડબ્રહ્મા બેઠક ખાલી થતા સંમેલનમાં હાજર મધુસુદન મિસ્ત્રી અને તુષાર ચૌધરીએ અશ્વિન કોટવાલ પર આક્ષેપોનો મારો ચલાવી દાવેદારી માટે પૂરો દમ લગાવી દીધાનો અનુભવ થયો હતો. જ્યારે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ખુલ્લા મંચ પરથી લલકાર કર્યો હતો કે ભાજપવાળા તમે એક બાપના હોય તો અશ્વિન કોટવાલને ખેડબ્રહ્મા બેઠક પરથી લડાવજો જેને પગલે ગરમાવો આવી ગયો છે.
નવસંકલ્પ સંમેલનમાં પોશીના, દાંતા, ખેડબ્રહ્મા, વિજયનગર, ભિલોડા પંથકના આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. અશ્વિન કોટવાલના રાજકીય ગુરુ સ્વ. અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીએ જણાવ્યું કે માને મૂકીને માસી પાસે ન જવાય. આ ભાઈ ત્રણ વાર અહીં ચૂંટાયા બાદ ભાજપમાં ગયા છે તેમને ઘર ભેગા કરવાના છે. આદિવાસી સમાજનું અસ્તિત્વ અસ્મિતા અને અધિકાર ટકાવી રાખવા હશે તો કોંગ્રેસની સરકાર લાવવી પડશે પહેલા સચિવાલયમાં આદિવાસી સમાજના અધિકારી જોવા મળતા હતા 27 વર્ષથી ભાજપ સરકારે આદિવાસીઓને નોકરી આપી નથી.
પૂર્વ સાંસદ મધુસુદન મિસ્ત્રીએ જણાવ્યું કે અશ્વિન કોટવાલ આક્ષેપ કરે છે કે મારા લીધે ગયો છે પણ 10 વર્ષથી હું અહીં આવ્યો જ નથી જો હું તેની સામે પડ્યો હોત તો ગઈ ચૂંટણીમાં હારી ગયો હોત ત્રણ ટર્મમાં ગ્રાન્ટ ક્યાં વાપરી, કયા કોન્ટ્રાક્ટર સાથે કામ કર્યું, આદિવાસી સમાજને દૂર રાખી પોતાના જ કામ કર્યા છે ખોટું હોય તો સમાજને હિસાબ આપો. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ખુલ્લા મંચ પરથી ભાજપને લલકાર્યું કે ભાજપવાળા એક બાપના હોય તો અશ્વિન કોટવાલને ખેડબ્રહ્મા બેઠક પરથી લડાવજો.
અશ્વિન કોટવાલને ઉદ્દેશીને કહ્યું કે કયા કારણથી ભાજપમાં ગયા તે પ્રજાને જણાવો 15 વર્ષમાં શું કર્યું, ગદ્દારોનો કોઇ ઈતિહાસ હોતો નથી આવનાર સમયમાં બતાવી દઇશું. ફક્ત બાપ-દીકરો જ આગળ જવા ઇચ્છો છો. આદિવાસી સમાજની રેલી જોઈને સરકારને તાપી પ્રોજેક્ટ પડતો મૂકવો પડ્યો તે અમારી તાકાત છે. સંમેલનમાં સુખરામભાઇ રાઠવા, જીગ્નેશ મેવાણી, કાન્તિભાઈ ખરાડી જિ.કો. પ્રમુખ કમલેશ પટેલ, ઈસુફભાઈ બચ્ચા સહિત મોટીસંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અશ્વિન કોટવાલની પ્રતિક્રિયા જાણવા સંપર્ક કર્યો હતો. પરંતુ સંપર્ક થઇ શક્યો ન હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.