સાબરકાંઠા પોલીસની ગ્રહદશા માઠી ચાલી રહી હોય તેમ ખાખીના અવમાનના કિસ્સા વધી રહ્યા છે. ગુરૂવારે 11.40 કલાકે ખેડબ્રહ્મા સીપીઆઇ કચેરીમાં ફિંગરપ્રિન્ટ અને અન્ય કાર્યવાહી માટે લવાયેલ ડુંગરપુર જિલ્લાનો પોક્સોનો આરોપી પોલીસને ચકમો આપી ધરાર ફરાર થઇ જતાં હાથ ઉપર હાથ રાખી બેસી રહેવાનો વારો આવ્યો હતો. કારણ જિલ્લાની મોટા ભાગની પોલીસ પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં બંદોબસ્તમાં હતી અને શાતિર આરોપીએ મોકાનો ફાયદો ઉઠાવી લીધો હતો.
સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે ખેડબ્રહ્માના કલોલમાંથી તા.18-04-22 ના રોજ રાત્રે દસેક વાગ્યે ડુંગરપુર જિલ્લાના પીઠસીબલવાડા તાલુકાના ખાલ ગામનો લક્ષ્મણ રણછોડભાઇ રોત (ઉ.વ.20) નામનો યુવક 17 વર્ષીય સગીરાને ભગાડી લઇ જતાં તા.28-04-22 ના રોજ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં અપહરણ, પોક્સો સહિતનો ગુનો નોંધાયો હતો. જેની ખેડબ્રહ્મા સીપીઆઇ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી અને બંને જણાંને તા.27-07-22 ના રોજ પકડી લાવી મેડિકલ વગેરેની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
ઇન્ચાર્જ ખેડબ્રહ્મા સીપીઆઇ ભાવનાબેન ડોડીયાએ નોંધાવેલ ફરિયાદની વિગત એવી છે કે પોક્સોના આરોપીને તા.27-07-22 ના રોજ અટક કરી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યો હતો અને પોતે તા.28-07-22 ના રોજ પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં બંદોબસ્તમાં હોઇ સ્ટાફના વિરેન્દ્રસિંહ રતનસિંહ અને અખિલસિંહ બળવંતસિંહને કોવિડ ટેસ્ટ કરાવડાવી પૂછપરછ કરવા અને ફિંગર પ્રિન્ટ ઓનલાઇન લેવડાવવા સહિતની કામગીરી સોંપી હતી.
જેના અનુસંધાને આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવડાવી જરૂરી કેસ કાગળો અને ફિંગર પ્રિન્ટ માટે સીપીઆઇ કચેરી મૂકી ગયા હતા. ત્યારબાદ તેમને ફોનથી જાણ કરાઇ હતી કે 11:40 કલાકે આરોપી સીપીઆઇ કચેરીથી ભાગી ગયો છે. જેને પગલે ઇન્ચાર્જ સીપીઆઇ બી.પી. ડોડીયાએ ફરાર થઇ ગયેલ લક્ષ્મણભાઇ રણછોડભાઇ રોત, વિરેન્દ્રસિંહ રતનસિંહ અને અખિલસિંહ બળવંતસિંહ વિરુદ્વ ફરિયાદ નોંધાવી હતી.
ખેરોજ પીઆઇએ ફોન ઉપાડવાનું ટાળ્યું
સીપીઆઈ કચેરીમાંથી ભાગી ગયેલ ગયેલ આરોપીની તપાસ કરતાં ખેરોજ પીઆઈ.બી.ડી.ડોડીયાનો ટેલિફોનિક સંપર્ક કરતાં ફોન રિસીવ કર્યો ન હતો.
આમની સામે ફરિયાદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.