આદેશ:ખેડબ્રહ્માના ખેડવા ડેમમાંથી 250 ક્યૂસેક પાણી છોડતાં નદી કાંઠાના ગામોને સતર્ક રહેવા આદેશ

ખેડબ્રહ્મા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભિલોડા, ધનસુરામાં 4 ઇંચ વરસાદ, ઇડરમાં પોણા ચાર ઇંચ, તલોદ ,પ્રાંતિજમાં 3 ઇંચથી વધુ ખાબક્યો
  • નદી કિનારાના​​​​​​​ પરોયા, બારસોલ, નવાનાના, રોધરા, રુદ્રમાલા, પાદરડી, વાસણા સહિતના ગામોને સતર્ક કરાયાં

ખેડબ્રહ્મા તાલુકા અને ઉપરવાસમાં સતત બે દિવસથી વરસાદ અવિરત ચાલુ હોવાના કારણે ખેડબ્રહ્માના ખેડવા ડેમમાં પાણીની આવક થતાં ડેમમાંથી 250 ક્યૂસેક પાણી છોડાતાં નદી કિનારાના ગામોને સતર્ક રહેવા જણાવાયું છે.સાબરકાંઠામાં પ્રાંતિજ પંથકમાં પણ બે દિવસથી થઇ રહેલ સતત વરસાદથી મોસમનો 44 ટકાથી વધુ વરસાદ નોંધાતા રાહતની લાગણી પેદા થઇ છે.

છેલ્લા 24 કલાક દરમિયાન ઇડરમાં પોણા ચાર ઇંચ, તલોદ અને પ્રાંતિજમાં ત્રણ ઇંચથી વધુ, હિંમતનગરમાં અઢી ઇંચ, વડાલીમાં બે ઇંચ અને ખેડબ્રહ્મા પોશીનામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જુલાઇના 26 દિવસમાં સા.કાં. જિલ્લામાં મોસમનો 50 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક સવાયો વરસાદમાં સૌથી વધુ સવા 4 ઇંચ વરસાદ ભિલોડા અને ધનસુરા પંથકમાં ખાબક્યો હતો.

ખેડવા ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક થવા પામી છે. જેને લઈ ડેમનું રૂલ લેવલ જળવાઈ રહે તે માટે ડેમનો એક દરવાજો ખોલી 250 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. ડેમમાં ઉપરવાસ વરસાદથી ડેમની સાઇટમાં 250 ક્યૂસેક પાણીની આવક થતાં ડેમનું રૂલ લેવલ 256.80 મીટર જાળવવા માટે એક દરવાજો ખોલી 250 ક્યૂસેક પાણી છોડતાં નદી કિનારાના પરોયા, બારસોલ, નવાનાના, રોધરા, રુદ્રમાલા, પાદરડી, વાસણા સહિતના ગામોને સતર્ક કરાયા છે.

ખેડબ્રહ્મા સિંચાઇ વિભાગના યુ.કે પટેલના જણાવ્યા અનુસાર ખેડવા ડેમમાં હાલમાં પાણીની આવક ચાલુ હોવાના કારણે નદીમાં પાણી છોડાયું છે. ડેમમાં હાલ 256.80 રૂલ લેવલ જાળવવામાં આવી રહ્યું છે. ડેમની કુલ 258.25 મીટર સપાટી છે જેની સામે પાણીની સપાટી 256.80 મીટર થઈ છે ડેમમાં 117.83 એમસીએફટી જીવંત જથ્થો છે.

ઇડર ગઢના પાછળના ભાગે સંરક્ષણ દીવાલ ધરાશાયી,રોડ ધોવાયો
ઇડરિયા ગઢ પર જવા માટે ગઢના પાછળના ભાગે બનાવેલ નવો ડામર રોડ અને પ્રોટેક્શન દીવાલ વરસાદના કારણે ધરાશાયી થઈ હતી. આ માર્ગ ગઢની મુલાકાતે આવતાં પર્યટકો માટે પ્રવાસન વિભાગ દ્વારા તૈયાર કરાયો હતો. પરંતુ હલકી ગુણવત્તાને લઈ નબળુ કામ થયાનું ચોક્કસ દેખાઈ આવતું હોવાનો ગઢ પ્રેમીઓએ રોષ ઠાલવ્યો હતો. દીવાલ પાણી માં વહી જતાં હાલ ગઢના પાછળનો માર્ગ બંધ કરાયો છે. સૂત્રોથી મળતી માહિતી મુજબ હવે નવીન રોડ બનશે ત્યાં સુધી પાછળ નો રોડ બંધ રખાશે.

હિંમતનગર વોર્ડ-7 માં કચ્છી સોસાયટીમાં પાણી ભરાયાં
હિંમતનગરના વોર્ડ-7 માં કચ્છી સોસાયટીમાં ડામર રોડનું લેવલિંગ ના હોવાના કારણે મહાદેવજીના મંદિર પાસે વરસાદી પાણીના નિકાલ થતો નથી. સામાન્ય વરસાદમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઇ જય છે નજીકમાં આવેલા પાલિકાના ફાયર વિભાગની જગ્યામાં ભૌગોલિક રીતે વરસાદી પાણી જતું હતું જ્યાં દીવાલ થતા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન રહેતા પાણીનો ભરાવો થઈ રહ્યો છે.રહીશોના ઘરના પગથીયા પણ પાણી માં ડૂબી જાય છે બે દિવસ પછી પવિત્ર શ્રાવણ માસની પણ શરૂઆત થઈ રહી છે ત્યારે જેટિંગ મશીન દ્વારા ભૂગર્ભ ગટરોની સાફ સફાઈ કરી પાણીનો નિકાલ કરવા લાગણી પ્રવર્તી રહી છે.

અન્ય સમાચારો પણ છે...