ઇડર તાલુકામાં સમાવિષ્ટ જાદર પંથકના 30 ગામ અને 12 પરાના લોકોએ સોમવારે જાદરને તાલુકો બનાવવાની માંગ સાથે જાદર બંધનું એલાન આપી બેનેરો સાથે રેલી કાઢી તાલુકો નહીં બનાવાય તો આગામી વિધાનસભા ચૂંટણીમાં નવી જૂની કરવાની ચીમકી સાથે એક નેતાએ અતિ ઉત્સાહમાં આવી જઇ ચૂંટણી પ્રચારમાં આવનાર કોઇ પણ પક્ષના લોકોના ટાંટીયા તોડી નાખવાની ધમકી ઉચ્ચારતાં ખળભળાટ મચી ગયો હતો.
જાદર વિભાગીય સમિતિના નેજા હેઠળ જાદર બંધનું એલાન આપી મહારેલીનું આયોજન કરાયુ હતું. આવનાર વિધાનસભાની ચૂંટણીમાં આ મુદ્દો ભાજપ માટે સમસ્યા સર્જી શકે તેમ છે. અગાઉ વડાલીને તાલુકાનો દરજ્જો આપ્યો ત્યારથી જાદરને પણ તાલુકો બનાવવામાં આવે તેવી માંગ ઉઠી હતી. પરંતુ વર્ષો વિતવા છતાં માંગણી ન સંતોષાતા રેલીનું આયોજન કરાયુ હતું.
તાલુકો ઘોષિત થાય તો ઘણી રાહત મળે:સરપંચ
મોટીવાડોલના સરપંચ દિગ્વિજયસિંહે જણાવ્યું કે અમારા વિસ્તાર ના તમામ બાળકો ને જાતિના દાખલા કે અન્ય દાખલા કાઢવા માટે ઇડર જવું પડે છે. જો જાદર ને તાલુકો ઘોષિત કરવામાં આવે તો ઘણી રાહત મળે તેમ છે.
નેતાઓના ટાંટિયા ભાગી દેવાશે: અગ્રણી, જાદર
જાદરના વરિષ્ઠ આગેવાન રતિલાલે જણાવ્યું કે જૂની માંગણી નહીં સ્વીકારાય તો ચૂંટણીમાં કોઈપણ રાજકીય પક્ષના ઉમેદવારને ચૂંટણી પ્રચાર કરવા દેવા આવશે નહિ અને પ્રચાર કરવા આવનાર કોઇપણ પક્ષના લોકો હશે ટાંટિયા ભાગી દેવાશે.
છેવાડાના ગામના લોકોએ ઇડર સુધી ધક્કા ખાવા પડે છે
જાદર વિકાસ સમિતિ પ્રમુખ ગીરીશભાઈ પટેલે જણાવ્યું કે કોઈ પણ કચેરીનું કામ હોય તો છેવાડાના ગામના લોકોને ઇડર સુધી ધક્કા ખાવા પડે છે અને સમય અને પૈસા નો ખર્ચ કરવા છતાં કામ થતું નથી .પંથકની 30 પંચાયતનું સમર્થન છે અને 12 પરા અમારી સાથે છે જો અમારી માંગણી નહિ સંતોષાય તો વિધાનસભા ચૂંટણીમાં અમારે કંઈક અલગ થી વિચારવું પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.