મહેસાણાથી શામળાજી વાયા ઇડર અઘોષિત નેશનલ હાઇવે પ્રોજેક્ટને મંજૂરી મળ્યા બાદ ઇડર બડોલી બાયપાસ 13 કિમીનો રોડ જે ગામોમાંથી પસાર થનાર છે તે ખેડૂતોએ જમીન વિહોણા થવાની દહેશત પેદા થતા મંગળવારે નેશનલ હાઇવે સબ ડિવિઝન કચેરીમાં જમીન સંપાદન માટે તૈયાર ન હોવાનું જણાવી લેખિત વાંધો રજૂ કર્યો હતો. મહેસાણાથી વિસનગર વડનગર વલાસણા થઇ ઇડર શામળાજી હાઇવેને જોડતા ઇડર બડોલી બાયપાસ પ્રોજેક્ટને કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે મંજૂરી આપતા વિકાસના દ્વાર ખૂલ્યા છે. પરંતુ સાથે સાથે 45 મીટરની પહોળાઇનો રોડ બની રહ્યો હોવાથી નાના ખેડૂતોના આખે આખા ખેતરની જમીન રોડમાં જતી રહેવાની દહેશત ઉભી થઇ છે.
મહેસાણાથી શામળાજી વાયા ઇડર નવો ફોરલેન નેશનલ હાઇવે 168-G મંજૂર થયાની સોમવારે જાહેરાત થતાની સાથે જ અપેક્ષા મુજબ જ વિરોધ શરૂ થઇ ગયો છે દિવસ દરમિયાન મણીયોર, સદાતપુરા, સાપાવાડા, લાલોડા, બુઢીયા, વાંસડોલ સહિતના ગામના ખેડૂતોએ ચર્ચા વિચારણા કર્યા બાદ મંગળવારે ઇડર સ્થિત નેશનલ હાઇવે સબડિવિઝનલ કચેરીના ડેપ્યુટી એકઝીક્યુટીવને રજૂઆત કરી હતી કે 13 કી.મી.ના ઇડર, બડોલી, બાયપાસ રોડમાં જમીન સંપાદન થતાં નાના ખેડૂતો જમીન વિહોણા થઇ જશે પશુપાલન અને ખેતી પર નભતા પરિવારોના જીવન નિર્વાહનું કોઇ માધ્યમ નહી રહે અને નોંધારા બની જવાની સ્થિતિનું નિર્માણ થશે. પ્રોજેક્ટેડ બાયપાસ રોડ માટે જમીન માલિકોની સંમતિ પણ લેવાઇ નથી. જેથી જમીન આપવા માંગતા ન હોઇ તમામે સહીઓ કરી સંભવિત જમીન સંપાદન માટે વાંધો રજૂ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.